World Cup 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટાઈટલ મેચ રમાશે. આ પહેલા બન્ને ટીમના કેપ્ટને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરનમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચ પહેલા કહ્યું હતું કે તેમની ટીમ તેના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માટે વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતવા માંગે છે.
મેચની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોન્ફરન્સમાં બોલતા રોહિત શર્માએ કહ્યું કે રાહુલ દ્રવિડે ખેલાડીઓને સ્પષ્ટતા આપવામાં મોટી ભૂમિકા ભજવી છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે વર્તમાન વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઈન્ડિયાએ સતત 10 મેચ જીતીને હવે ત્રીજી વખત ટાઈટલ જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.
રોહિત શર્માનું નિવેદન
રાહુલ દ્રવિડનો રોલ જોરદાર રહ્યો છે. તેણે એ ફિડમ આપ્યું છે હું જેની વાત કરી રહ્યો છું. હું કોઈ એક વસ્તુ વિશે વિચારું છું અને જો કોચ કેટલીક બાબતો સાથે સહમત ન હોય, તો હું બીજી બાજુ વિશે વિચારું છું. તમે જાણો છો કે રાહુલ દ્રવિડે તેની ક્રિકેટ કેવી રીતે રમ્યા અને હું આ દિવસોમાં કેવી રીતે રમી રહ્યો છું. રમતની શૈલીમાં ચોક્કસપણે ઘણો તફાવત છે. તેમણે અમને મુક્તપણે રમવાની સ્વતંત્રતા આપી અને અમને અમારી રીતે રમવા દે છે, જે તેમના વિશે ઘણું બધુ કહી જાય છે.
દ્રવિડ માટે વર્લ્ડ કપ જીતવા માંગુ છું
રોહિત શર્માએ એમ પણ કહ્યું કે દ્રવિડ આ મોટા પ્રસંગનો ભાગ બનવા માંગે છે અને અમારી ટીમ તેના માટે ખિતાબ જીતવા માંગે છે. યાદ રહે કે રાહુલ દ્રવિડ 2003ના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમનો ભાગ હતો, જોકે તે સમયે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
રાહુલ દ્રવિડ જે રીતે મુશ્કેલ સમયમાં ખેલાડીઓની સાથે રહ્યા, ખાસ કરીને T20 વર્લ્ડ કપ દરમિયાન, જ્યાં અમે સેમિફાઇનલમાં પહોંચ્યા હતા. તેણે પરિસ્થિતિ પર કેવી પ્રતિક્રિયા આપી અને ખેલાડીઓને માહિતગાર રાખ્યા તે ખૂબ જ મદદરૂપ હતું. તેઓ મોટી ક્ષણોમાં ટીમનો હિસ્સો બનવા માંગે છે અને તે અમારા પર છે કે, અમે આવું કરી શકીએ.