સીડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 4 ટેસ્ટ મેચની સીરિઝની ત્રીજી ટેસ્ટ ગુરુવારથી સિડનીમાં શરૂ થઈ હતી. મેચ શરૂ થતાં પહેલાં બંને દેશોના રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. ભારતનું રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ રડી પડ્યો હતો. રાષ્ટ્રગીત દરમિયાન મોહમ્મદ સિરાજ ભાવુક થઇ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ વહેલા લાગ્યાં હતાં. મોહમ્મદ સિરાજનો આ વિડિયો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે અને જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સિરાજની બાજુમાં ઉભેલા ફાસ્ટ બોલર જસપ્રિત બૂમરાહે સિરાજને સાંત્વના આપીને શાંત કર્યો હતો. બૂમરાહ સાંત્વના આપી ત્યારે સિરાજે હથેળીથી આંસુ લૂછ્યાં હતાં.
સિરાજના પિતાનું ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પહોંચવાના એક સપ્તાહ બાદ 20 નવેમ્બરે નિધન થયું હતું. તેણે પરત જવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો પરંતુ તેણે ટીમ સાથે જ રહેવાનો નિર્ણય કર્યો.
સિરાજ ટેસ્ટ ટીમનો ભાગ હતો. તેણે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રદર્શનના દમ પર તેને ત્રીજી ટેસ્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો.
સિરાજે કહ્યું, “રાષ્ટ્રગીત સમયે, મને મારા પિતાની યાદ આવી ગઈ. માટે થોડો ભાવુક થઈ ગયો હતો. પિતાજી હંમેશા ઇચ્છતા હતા કે હું ટેસ્ટ ક્રિકેટ રમું. પરંતુ તેઓ જીવીત હોત તો મને રમતા જોઈ શક્યા હોત.”