Rohit Sharma 6th Leading Run Scorer For India in ODI: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વનડે સીરીઝની પ્રથમ મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ, મીરપુરમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરી હતી. ટીમ ઈન્ડિયા માટે ઈનિંગની શરૂઆત કરવા આવેલા રોહિત શર્માએ આ મેચમાં એક ખાસ સિદ્ધિ મેળવી હતી. જોકે રોહિત ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. આ દરમિયાન હિટમેને પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. હવે રોહિત ભારત તરફથી વનડેમાં સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠો ખેલાડી બની ગયો છે.


ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને વનડેમાં 9378 રન બનાવ્યા છે. પરંતુ રોહિતે આજે તેની 27 રનની ઇનિંગ દરમિયાન તેને પાછળ છોડી દીધો હતો. ODI ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે હિટમેન છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. તેણે વનડેમાં અત્યાર સુધી 9388 રન બનાવ્યા છે. રોહિતે 234મી વનડેની 227મી ઇનિંગમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે એવા પાંચ ભારતીય બેટ્સમેન છે જેમણે વનડેમાં રોહિત શર્મા કરતા વધુ રન બનાવ્યા છે. સચિન તેંડુલકર 18426, વિરાટ કોહલી 12344, સૌરવ ગાંગુલી 11221, રાહુલ દ્રવિડ 10768 અને એમએસ ધોની 10599 રન બનાવીને રોહિતથી આગળ છે.


રોહિત ફોર્મમાં નથી



ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યો છે. બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં તે 27 રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો. જોકે આ દરમિયાન તેણે કેટલાક આકર્ષક સ્ટ્રોક કર્યા હતા. તેણે 27 રનની ઈનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. રોહિત લગભગ ત્રણ વર્ષથી ODI ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. જાન્યુઆરી 2020માં, હિટમેને છેલ્લી વખત ODIમાં સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે રમતા 119 રન બનાવ્યા હતા. 


ઋષભ પંત બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝમાંથી કેમ થયો બહાર? BCCIએ આપ્યું કારણ


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વન-ડે મેચ ઢાકાના શેર-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા ભારતીય કેમ્પમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત આ વન-ડે સીરીઝની ત્રણેય મેચમાંથી બહાર થઈ ગયો છે. સ્પિનર ​​અક્ષર પટેલ પણ પ્રથમ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ ન હતો.


બીસીસીઆઈએ પ્રેસ રિલીઝ જાહેર કરીને આ અંગે અપડેટ આપી છે. જોકે, ઋષભ પંતનું સીરિઝમાંથી બહાર થવાનુ સંપૂર્ણ કારણ સ્પષ્ટ નથી. પરંતુ બીસીસીઆઈએ નિશ્ચિતપણે કહ્યું છે કે તેને મેડિકલ ટીમની સલાહ પર મુક્ત કરવામાં આવ્યો છે. પંતના આઉટ થવાને કારણે કેએલ રાહુલને પ્રથમ વનડેમાં વિકેટકીપિંગની જવાબદારી મળી છે.


પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 'BCCIની મેડિકલ ટીમ સાથે ચર્ચા કર્યા બાદ પંતને ODI ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તે ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ સાથે જોડાશે. તેમના બદલે અન્ય કોઇ ખેલાડીને સામેલ કરવાની કોઇ માંગ કરવાની નહોતી.  અક્ષર પટેલ પ્રથમ વનડે માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.