India vs Bangladesh 1st Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 258 રન બનાવીને દાવ ડિકલેર કરી દીધો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ પર 512 રનની મોટી લીડ છે. ભારત તરફથી બીજા દાવમાં શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાએ શાનદાર બેટિંગ કરી હતી. બીજા દાવમાં ગિલે 152 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 110 અને પૂજારાએ 130 બોલમાં 13 ચોગ્ગાની મદદથી અણનમ 102 રન બનાવ્યા હતા.
પૂજારા અને ગીલે સદી ફટકારી હતી
ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સારી શરૂઆત કરી હતી. ટીમના ઓપનર કેપ્ટન કેએલ રાહુલ અને શુભમન ગીલે પ્રથમ વિકેટ માટે 70 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, રાહુલ બીજી ઇનિંગમાં પણ મોટો સ્કોર બનાવી શક્યો ન હતો અને 23 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલના આઉટ થયા બાદ ગિલ અને પુજારે ટીમ ઈન્ડિયા માટે ઝડપી સ્કોર કરવાનું શરૂ કર્યું હતું. આ મેચમાં બંને વચ્ચે સદીની ભાગીદારી પણ થઈ હતી. આ સાથે જ ગિલે આજે બાંગ્લાદેશ સામે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. સદી ફટકાર્યા બાદ ગિલ વધુ સમય ટકી શક્યો નહોતો અને 110 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ પુજારાએ ટીમ ઈન્ડિયા માટે એક છેડો જાળવી રાખ્યો હતો અને તેણે આ મેચમાં 102 રનની અણનમ સદી પણ રમી હતી, પૂજારાની સદી 51 ઈનિંગ્સ બાદ આવી હતી. પૂજારા અને ગિલની સદીના આધારે ભારતે 258 રનમાં બીજી ઇનિંગ ડિકલેર કરી હતી.
બીજી ઈનિંગ 258 રન પર ડિકલેર કરવાની સાથે જ આ મેચમાં ટીમ ઈન્ડિયાની કુલ લીડ વધીને 512 રન થઈ ગઈ છે. હવે બાંગ્લાદેશને આ મેચ જીતવા માટે 513 રન બનાવવા પડશે. ભારતે પ્રથમ દાવમાં જે રીતે બોલિંગ કરી તે જોતા બાંગ્લાદેશ માટે આ લક્ષ્ય સુધી પહોંચવું અથવા તો મેચ ડ્રો કરવામાં મુશ્કેલી પડી રહી છે.
પુજારાની આક્રમક સદી
શુભમન ગીલ બાદ મીડિલ ઓર્ડર અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પણ આક્રમક અંદાજમાં સદી ફટકારી દીધી છે. પુજારાએ ટેસ્ટમાં આક્રમક રીતે માત્ર 130 બૉલમાં 102 રનની ઇનિંગ રમી હતી, જેમાં 13 ચોગ્ગા સામેલ છે.