India vs Bangladesh: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ બે મેચો જીતીને સીરીઝમાં 2-0થી લીડ બનાવી ચૂકી છે. હવે આવતીકાલે ચટગ્રામમાં ત્રીજી અને અંતિમ વનડે મેચ રમાશે, જેમાં બન્ને ટીમો જીત માટે પ્રયાસ કરશે, એકબાજુ ટીમ ઇન્ડિયા જીત સાથે સીરીઝ પુરી કરવા ઇચ્છશે તો બીજીબાજુ બાંગ્લાદેશ ટીમ ઇન્ડિયાને ક્લિન સ્વિવ કરવા પ્રયાસ કરશે. 


પરંતુ આ બધાની વચ્ચે એક મોટા સમાચાર છે કે, કેપ્ટન રોહિત શર્મા આંગળીમાં ઇજાના કારણે ત્રીજી વનડે મેચ ગુમાવશે. રોહિતની જગ્યાએ કેએલ રાહુલ ત્રીજી વનડેમાં કેપ્ટનશીપ કરતો દેખાશે. જોકે, રોહિતની જગ્યા લેવા માટે ત્રણ બેટ્સમેનો વચ્ચે હોડ લાગી છે. જેમાં પ્લેઇંગ ઇલેવનમાં કોનો સમાવેશ કરાશે, ઇશાન કિશન, રજત પાટીદાર કે પછી રાહુલ ત્રિપાઠી. આ ત્રણેયમાંથી એકને મોકો મળી શકે છે. 


બીજી વનડેમાં રોહિત શર્માને પહોંચી હતી ઇજા - 
Rohit Sharma Injury: બાંગ્લાદેશ સામેની બીજી મેચની બીજી જ ઓવરમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને બોલ વાગ્યા બાદ તેના ડાબા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું અને તેને મેદાન છોડવું પડ્યું હતુ. ઈજા ગંભીર હોવાનું જણાયું હતું. જ્યારે તે મેદાનની બહાર જઈ રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી લોહી ટપકતું હતું. આ બધું બીજી ઓવરના ચોથા બોલ પર થયું જ્યારે અનામુલે એક શોટ માર્યો અને કેચ લેવાની પ્રક્રિયામાં તેના હાથમાં ઈજા થઈ. હાલ તેને એક્સ-રે માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. 


મોહમ્મદ સિરાજના ઝડપી બોલ પર અનામુલ શોટ ચૂકી ગયો અને બોલ બેટની કિનારી લઈને સ્લિપમાં પહોંચી ગયો જ્યાં રોહિત શર્મા તૈયાર હતો. જો કે, બોલ તેની ધારણા કરતા ઘણો નીચો આવ્યો અને તેના હાથ પર વાગ્યો. આ રીતે તે કેચ પણ ન પકડી શક્યો અને તેના હાથ પર ઈજા થઈ. તે તરત જ તેનો લોહી નીકળતો હાથ પકડીને મેદાન છોડી ગયો. તેમની જગ્યાએ રજત પાટીદાર ફિલ્ડીંગ માટે આવ્યો હતો.


 


Rohit Sharma India vs bangladesh ODI: બાંગ્લાદેશ સામેની સીરિઝ હાર્યું ભારત, રોહિત શર્માએ શું આપ્યું હારનું કારણ?


મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની બોલિંગને હાર માટે જવાબદાર ગણાવી હતી. તેણે કહ્યું હતું કે ભારતીય ટીમે બોલિંગમાં સારી શરૂઆત કરી હતી. 69 રનમાં 6 વિકેટ લીધી હતી પરંતુ પછી વચ્ચેની ઓવરો અને અંતે બોલરોએ નિરાશ કર્યા હતા.


રોહિતે મેચ બાદ કહ્યું, તેને હાથમાં કોઇ ફ્રેક્ચર નથી. આ જ કારણ હતું કે હું બેટિંગ કરી શક્યો. જ્યારે તમે મેચ ગુમાવો છો, ત્યારે સકારાત્મક અને નકારાત્મક બંને બાબતો હોય છે. અમારા બોલરોની ખામીઓ દેખાય છે. અમે સારી શરૂઆત કરી હતી પરંતુ મધ્ય ઓવરોમાં અને અંતમાં થોડી નિરાશા મળી હતી. ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી એટલે કે ત્રીજી મેચ હવે 10 ડિસેમ્બરે રમાશે. પરંતુ આ ત્રીજી વનડેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, ઝડપી બોલર દીપક ચહર અને કુલદીપ સેન રમી શકશે નહીં. ત્રણેય ઈજાના કારણે બહાર છે.