IND vs BAN, 1st Test : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચટગાંવમાં રમાયેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ભારતનો 188 રનથી વિજય થયો છે. ભારતે મેચ જીતવા આપેલા 513 રનના ટાર્ગેટ સામે બાંગ્લાદેશની ટીમ 324 રનમાં ઓલઆઉટ થઈ હતી. બાંગ્લાદેશ તરફથી બીજી ઈનિંગમાં ઝાકીર હસને સર્વાધિક 100 રન બનાવ્યા હતા. કેપ્ટન શાકીબ અલ હસને 84 રનનું યોગદાન આપ્યું હતું. શાન્ટોએ 67 રનની ઈનિંગ રમી હતી. ભારત તરફથી અક્ષર પટેલે 77 રનમાં 4, કુલદીપ યાદવે 73 રનમાં 3, મોહમ્મદ સિરાજે 67 રનમાં 1, ઉમેશ યાદવે 27 રનમાં 1 તથા રવિચંદ્રન અશ્વિને 75 રનમાં 1 વિકેટ લીધી હતી. મેચમાં જીત સાથે ભારતે બે મેચની સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. સીરિઝની અંતિમ અને બીજી મેચ 22 ડિસેમ્બરથી શરૂ થશે.




આ ખેલાડી રહ્યા જીતના હીરો


ચેતેશ્વર પુજારા, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ જીતના હીરો રહ્યા. પુજારાએ પ્રથમ ઈનિંગમાં 90 અને બીજી ઈનિંગમાં અણનમ 102 રન બનાવ્યા. આમ મેચમાં કુલ 192 રન બનાવ્યા. અક્ષર પટેલે બંને ઈનિંગમાં મળીને પાંચ વિકેટ લીધી. શુભમન ગિલે પણ સદી ફટકારીને બાંગ્લાદેશને બેકફૂટ પર ધકેલ્યું હતું.


પુજારાએ સદીનો દુકાળ પૂરો કર્યો


ચેતેશ્વર પુજારાએ બીજી ઈનિંગમાં નોટઆઉટ 102 રન બનાવી સદીનો દુકાળ પૂરો કર્યો હતો. આ પહેલા પુજારાએ અંતિમ સદી જાન્યુઆરી 2019મં ઓસ્ટ્રેલિયા સામે મારી હતી.




પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકટેકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ