બાંગ્લાદેેશે મીરપુરમાં રમાયેલી સીરીઝની બીજી વન-ડે મેચમાં પાંચ રનથી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે બાંગ્લાદેશે ત્રણ વન-ડે મેચની સીરિઝ પણ જીતી લીધી છે. બીજી મેચમાં બાંગ્લાદેશે ટીમ ઇન્ડિયાને 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ટીમ ઇન્ડિયા 266 રન જ કરી શકી હતી. 






પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 271 રન બનાવ્યા હતા અને જવાબમાં ભારત માત્ર 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 266 રન બનાવી શક્યું હતું. સતત બે મેચ હારવા ઉપરાંત ભારત સિરીઝ પણ હારી ગયું છે અને બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કરીને ભારતને ધૂળ ચટાડી છે.






મિરાજે ફટકારી સદી


પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી અને માત્ર 69 રનમાં તેની છ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી મહેંદી હસન મિરાજ અને મહમુદુલ્લાહે 148 રનની શાનદાર ભાગીદારી કરીને પોતાની ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. મિરાજે 83 બોલમાં અણનમ 100 રન બનાવ્યા જેમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. મહમુદુલ્લાહે પણ 77 રન ફટકારી સારો સાથ આપ્યો હતો. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.


ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે ઓપનિંગમાં આવી શક્યો ન હતો અને વિરાટ કોહલીએ શિખર ધવન સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને માત્ર 13 રનમાં બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. 65 રનમાં ચાર વિકેટ પડી ગઈ હતી પરંતુ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલે ઇનિંગને સંભાળવાનું કામ કર્યું હતું. બંનેએ પાંચમી વિકેટ માટે 107 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે અય્યર 82 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો, ત્યારે અક્ષરે 56 રનનું યોગદાન આપ્યું હતું.


43મી ઓવર સુધીમાં ભારતે 207ના સ્કોર પર સાત વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યારબાદ રોહિત બેટિંગ માટે આવ્યો હતો. રોહિતે 28 બોલમાં 51 રનની આક્રમક અણનમ ઇનિંગ રમી હતી, પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. રોહિતે ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. છેલ્લી બે ઓવરમાં ભારતને જીતવા માટે 41 રનની જરૂર હતી અને રોહિતે ટીમને જીતની ખૂબ નજીક પહોંચાડી દીધી હતી