IND vs ENG Hyderabad Test 1st Day Highlights: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. હૈદરાબાદ ટેસ્ટના પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાએ પ્રવાસી ટીમ ઈંગ્લેન્ડ પર પ્રભુત્વ જમાવ્યું હતું. ભારત તરફથી પહેલા બોલરો અને પછી બેટ્સમેનોએ કમાલ કરી અને દિવસ દરમિયાન બ્રિટિશરોને ધોળા દિવસે તારા બતાવી દીધા. ભારત માટે, સ્પિનર ​​રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને બેટ્સમેન યશસ્વી જયસ્વાલે પ્રથમ દિવસે કમાલ કરી હતી.


 




આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેના માટે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો. ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને 246 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ સમયગાળા દરમિયાન સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિને ભારત માટે સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય અક્ષર પટેલે 2 વિકેટ પોતાના નામે કરી હતી. બાકીની 2 વિકેટ જસપ્રીત બુમરાહે લીધી હતી.


આ પછી, ભારતે બેટિંગ માટે દિવસના અંત સુધી 119/1 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસે ભારતે કેપ્ટન રોહિત શર્માના રૂપમાં માત્ર એક વિકેટ ગુમાવી હતી. ભારતીય કેપ્ટને 27 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 24 રનની ઇનિંગ રમી હતી. દિવસના અંતે ભારત 127 રનથી પાછળ હતું. જોકે અત્યારે તેની પાસે 9 વિકેટ છે. દિવસના અંત સુધીમાં, અણનમ પરત ફરેલા યશસ્વી જયસ્વાલે 70 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 76* રન બનાવ્યા છે અને શુભમન ગીલે 43 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 14* રન બનાવ્યા છે. પ્રથમ દિવસે ઇંગ્લેન્ડને એકમાત્ર સફળતા સ્પિનર ​​જેક લીચ તરફથી મળી હતી, જેણે કેપ્ટન રોહિત શર્માને આઉટ કર્યો હતો.


બેટિંગ બાદ બોલિંગમાં પણ ઈંગ્લેન્ડ નિષ્ફળ રહ્યું હતું
હૈદરાબાદ ટેસ્ટના પ્રથમ દિવસે બેટિંગ બાદ ઈંગ્લેન્ડની ટીમ બોલિંગમાં પણ ફ્લોપ જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા બેન સ્ટોક્સની કેપ્ટન્સી હેઠળની ઈંગ્લેન્ડ ત્રીજા સેશનમાં 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ બોલિંગ કરતી વખતે પણ ઈંગ્લિશ ટીમ કંઈ ખાસ કરી શકી ન હતી. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે ઇંગ્લિશ બોલરોને ખુબ ફટકાર્યા હતા, જેમાં રોહિત શર્માએ તેને સારો સાથ આપ્યો હતો. ઓપનિંગમાં આવતા, રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે સાથે મળીને પ્રથમ વિકેટ માટે 80 (75 બોલ)ની ભાગીદારી કરી હતી. આ દરમિયાન જયસ્વાલે બેઝબોલ સ્ટાઈલમાં માત્ર 47 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.