ICC Men ODI Cricketer of the year:  ગયા વર્ષના ODI વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કર્યા બાદ વિરાટ કોહલીને ICC ODI ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી ચોથી વખત આ એવોર્ડ જીતવામાં સફળ રહ્યો છે. 2023 પહેલા વિરાટ કોહલી 2012, 2017 અને 2018માં ICC ODI ક્રિકેટર ઓફ ધ યર બની ચૂક્યો છે. તાજેતરમાં જ વિરાટ કોહલીને ODI વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. વિરાટ કોહલીના પ્રદર્શનનું જ પરિણામ હતું કે ટીમ ઈન્ડિયા સતત 10 મેચ જીતીને ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી.


 






ગયા વર્ષે, વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 27 મેચમાં 1377 રન બનાવ્યા હતા. એટલું જ નહીં, વિરાટ કોહલીએ સાત વર્ષના લાંબા ગાળા બાદ ગયા વર્ષે બોલિંગ કરી હતી અને એક વિકેટ પણ લીધી હતી. વિરાટ કોહલી સતત ત્રણ વર્ષ સુધી સદી ન ફટકારીને ટીકાઓનો શિકાર બની રહ્યો હતો. એક સમયે વિરાટ કોહલીની ટીમમાં સતત હાજરી પર પણ સવાલો ઉઠ્યા હતા. પરંતુ વિરાટ કોહલીએ 2022માં જોરદાર વાપસી કરી અને 2023માં તેના બેટ વડે આલોચકોને જવાબ આપ્યો. વિરાટ કોહલીએ વર્લ્ડ કપની 11 ઇનિંગ્સમાં 765 રન બનાવ્યા હતા. આટલું જ નહીં સચિન તેંડુલકરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને વિરાટ કોહલી ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.


 






વનડેમાં વિરાટ કોહલી જ કિંગ


વનડે ક્રિકેટમાં વિરાટ કોહલી જેવો બીજો કોઈ બેટ્સમેન નથી. વિરાટ કોહલી વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ODI ક્રિકેટમાં 50 સદી ફટકારી છે. આ પહેલા સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો જેણે ODI ફોર્મેટમાં 49 સદી ફટકારી હતી. અત્યાર સુધી વિરાટ કોહલીએ 292 વનડે મેચોની 280 ઇનિંગ્સમાં 58.68ની એવરેજથી 13848 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ વનડેમાં 50 સદી ઉપરાંત 72 અડધી સદી પણ ફટકારી છે.