IND vs ENG, 1st Test: હૈદરાબાદમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 420 રનમાં સમેટાઈ હતી. આ રીતે પ્રવાસી ટીમે 230 રનની લીડ લીધી હતી. ઓલી પોપ માત્ર 4 રન માટે બેવડી સદી ચુક્યો હતો. તે 196 રન બનાવી બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો હતો. ભારત તરફથી બીજી ઈનિંગમાં બુમરાહે 41 રનમાં 4, અશ્વિને 126 રનમાં 3, જાડેજાએ 131 રનમાં 2 તથા અક્ષર પટેલે 74 રનમાં 1 વિકેટ લીધી હતી.
ઓલી પોપે તોડ્યો 12 વર્ષ જૂનો રેકોર્ડ
ઇંગ્લેન્ડ ટીમના શાનદાર પ્રદર્શનથી 12 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. વર્ષ 2012 પછી કોઈ વિદેશી ટીમે ભારતમાં બીજી ઇનિંગમાં 300થી વધુ રન બનાવ્યા છે. ઓલી પોપ 196 રન બનાવ્યા. આ ભારતમાં 2012 પછી બીજી ઇનિંગમાં કોઈ વિદેશી બેટ્સમેનનો સર્વોચ્ચ સ્કોર છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કુકે 12 વર્ષ પહેલા અમદાવાદમાં 176 રનની ઇનિંગ રમી હતી. ઓલી પોપે હવે તેની આ શાનદાર ઇનિંગ દ્વારા કુકને પાછળ છોડી દીધો છે.
ત્રીજા દિવસે ભારતીય ટીમ 436 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સર્વાધિક 87 રન બનાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે 79 રનમાં 4 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે પણ 44 રનનું યોગદાન આપ્યું હતું. કેએલ રાહુલએ 86 રન, યશસ્વી જયસ્વાલે 80 રન બનાવ્યા હતા.ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 246 રન બનાવ્યા હતા. આ પછી બીજા દાવમાં 420 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 436 રન બનાવ્યા હતા. હવે ભારતને જીતવા માટે 231 રનની જરૂર છે.
ભારત-ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન:
ભારત - રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડ - ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સી), બેન ફોક્સ (વિકેટકિપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વુડ, જેક લીચ.
ઇંગ્લેન્ડ સામે ગુમાવી હતી સીરિઝ
ભારતે વર્ષ 2012માં તે સીરિઝ ગુમાવી હતી. ત્યારપછી ઘરઆંગણે એકપણ ટેસ્ટ સીરિઝ હારી નથી. તાજેતરમાં ભારતમાં બીજી ઈનિંગમાં 300થી વધુ રન બનાવનાર વિદેશી ટીમોની વાત કરીએ તો ઈંગ્લેન્ડે વર્ષ 2012માં નાગપુરમાં 4 વિકેટે 352 રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી હતી.