IND vs ENG 2nd Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાનમાં આવતીકાલથી બીજી ટેસ્ટનો પ્રારંભ થશે. બીજી ટેસ્ટ મેચ પહેલા બંને ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ અને ભારતના ઓલ રાઉન્ડર શાર્દૂલ ઠાકુર ઈજાગ્રસ્ત થતા બંને ટીમની પ્લેઇંગ-11 પસંદગી સામે નવો પ્રશ્ન ઊભો થયો છે. એવામાં હવે ઇંગ્લેન્ડની ટીમમાં માર્ક વુડ અને ઈન્ડિયન ટીમમાં ઈશાંત શર્માને બીજી ટેસ્ટમાં તક મળી શકે છે. પહેલી મેચ વરસાદને કારણે ડ્રો રહેતા હવે બંને ટીમ લોર્ડ્સમાં આયોજિત બીજી મેચ જીતવા મેદાનમાં ઉતરશે.


કયો ખેલાડી બહાર થયો હોવાની કોહલીએ કરી પુષ્ટિ


પ્રથમ ટેસ્ટની બંને ઈનિંગમાં બે-બે વિકેટ લેનારો શાર્દુલ ઠાકુર બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કેપ્ટન કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં ઠાકુર લોર્ડ્સ ટેસ્ટમાંથી બહાર થયો હોવાની વાતની પુષ્ટિ કરી હતી. કોહલીએ કહ્યું, શાર્જુલ ઠાકુરના જમણા પગની માંસપેશી ખેંચાઈ જવાના કારણે લોર્ડ્સ ટેસ્ટમાં નહીં રમ. તે ત્રીજી ટેસ્ટમાં વાપસી કરશે.


રૂટની લીધી હતી વિકેટ


નોટિંઘમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઠાકુરે જો રૂટ અને જોસ બટલર જેવા દિગ્ગજ ખેલાડીની વિકેટ લીધી હતી. પરંતુ હેમસ્ટ્રિંગ ઈજાના કારણે તે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો નહીં હોય.


બીજી ટેસ્ટ પહેલા બંને ટીમોને દંડ


ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે નોટિંઘમના ટ્રેંટ બ્રિજમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સ્લો ઓવર રેટ માટે બંને ટીમો પર 40 ટકા દંડ ફટકાર્યો છે. ઉપરાંત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાંથી બે-બે પોઈન્ટ પણ કાપી નાંક્યા છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમે નિર્ધારીત સમયમાં બે-બે ઓવર ઓછી ફેંકી હતી. જે બાદ મેચ રેફરી ક્રિસ બોર્ડ આ દંડ ફટકાર્યો હતો. ખેલાડીઓ અને તેના સહયોગી સ્ટાફ માટે આઈસીસીની કલમ 2.22 અનુસાર નિર્ધારીત સમયમાં એક ઓવર ઓછી ફેંકવા પર ખેલાડીઓને તેમની મેચ ફીનો 20 ટકા દંડ કરવામાં આવે છે.  આ ઉપરાંત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ નિર્ધારીત સમયમાં ઓછી ઓવર ફેંકવા બદલ ટીમને એક પોઈન્ટનો દંડ કરાય છે.