IND vs ENG 3rd ODI 1st Innings Highlights: માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહેલી ત્રીજી ODIમાં ઈંગ્લેન્ડે પ્રથમ રમત રમીને ટીમ ઈન્ડિયાને 260 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતી ઈંગ્લેન્ડની ટીમ 45.5 ઓવરમાં 259 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 


પ્રથમ બેટિંગ કરી રહેલી ટીમ ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જોસ બટલરે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. જ્યારે મોઈન અલીએ 34, જેસન રોયે 41, લિયામ લિવિંગસ્ટોને 27 અને ક્રેગ ઓવરટને 32 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. હાર્દિકે 7 ઓવરમાં 3 મેડન ઓવર નાખીને માત્ર 24 રન આપ્યા હતા, આ સાથે પંડ્યાએ કુલ 4 વિકેટ ઝડપી હતી. ODI ક્રિકેટમાં બોલિંગમાં આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. યુઝવેન્દ્ર ચહલે પણ 3 વિકેટ અને મોહમ્મદ સિરાઝે 2 વિકેટ ઝડપી હતી. 


જાડેજાનો શાનદાર કેચઃ
37મી ઓવરમાં હાર્દિક પંડ્યા બોલિંગ કરવા આવ્યો હતો અને આ ઓવરના છેલ્લા બોલ પર જોસ બટલર બાઉન્ડ્રી ફટકારવા ગયો હતો જ્યાં તે રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. બટલરે શોટ ગેપમાં જ ફટકાર્યો હતો પરંતુ થોડે દૂર ફિલ્ડીંગ કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ બટલરનો કેચ કરવાની તક નહોતી ગુમાવી અને છલાંગ લગાવીને બટલરને આઉટ કર્યો હતો. આમ ફરીથી રવિન્દ્ર જાડેજાએ પોતાની દમદાર ફિલ્ડીંગનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું. આ સાથે હાર્દિક પંડ્યાએ 37 ઓવરમાં કુલ 2 વિકેટ ઝડપી હતી. બટલરની પહેલાં હાર્દિકના બોલ પર જ લિયામ લિવિંગસ્ટોન 27 રનના અંગત સ્કોર પર રવિન્દ્ર જાડેજાના હાથે જ કેચ આઉટ થયો હતો.


ઈંગ્લેન્ડ ક્રિકેટે વીડિયો ટ્વીટ કર્યોઃ
જાડેજાએ કરેલા કરેલા આ શાનદાર કેચનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ દ્વારા પણ આ કેચનો વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. જુઓ જાડેજાના દમદાર કેચનો વીડિયો...