IND Vs ENG, 3rd Test Day 4 Highlights: લોર્ડ્સ ટેસ્ટના ચોથા દિવસના અંત સુધીમાં ભારતે 4 વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે હજુ 135 રનની જરૂર છે. ત્રીજા દિવસે ઈંગ્લેન્ડનો બીજો દાવ 192 રનનો થઈ ગયો હતો, જેના પછી ભારતને 193 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ચોથા દિવસના અંત સુધીમાં ભારત માટે કેએલ રાહુલ 33 રન સાથે ક્રીઝ પર છે.

ત્રીજા દિવસના અંત સુધીમાં ઈંગ્લેન્ડે એક ઓવરમાં 2 રન બનાવ્યા હતા. ચોથા દિવસે જ્યારે ઈંગ્લેન્ડે પોતાની બીજી ઈનિંગની શરૂઆત કરી ત્યારે ભારતીય બોલરો ઈંગ્લેન્ડના બેટ્સમેન પર ભારે પડ્યા હતા. બેન ડકેટ 12 રન કરીને આઉટ થયો. ઈંગ્લેન્ડ માટે જો રૂટ ટોપ સ્કોરર હતો, તેણે 40 રન કર્યા હતા. કેપ્ટન બેન સ્ટોક્સે 33 રનનું યોગદાન આપ્યું અને પોતાની ટીમને 192ના સ્કોર સુધી પહોંચાડી હતી.

ભારતને હજુ 135 રનની જરૂર છે

ચોથા દિવસ સુધીમાં લોર્ડ્સના મેદાનની પીચ બેટિંગ માટે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. યશસ્વી જયસ્વાલ બીજી ઇનિંગમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. કરુણ નાયર થોડો સમય ક્રીઝ પર રહ્યો, પરંતુ તે 14 રન કરીને પેવેલિયન પાછો ફર્યો, જેના કારણે ભારતે 41 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી દીધી હતી. છેલ્લી મેચની બંને ઇનિંગમાં સદી ફટકારનાર કેપ્ટન શુભમન ગિલ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો.

ચોથા દિવસે બેટ્સમેનની વિકેટ ગુમાવવાના ડરથી ભારતે આકાશદીપને નાઇટ વોચમેન તરીકે બેટિંગ માટે મોકલ્યો હતો. આકાશદીપે 10 બોલ માટે તેની વિકેટ બચાવી પરંતુ દિવસની છેલ્લી ઓવરમાં બેન સ્ટોક્સે તેને  ક્લીન બોલ્ડ કર્યો હતો. હવે પાંચમા દિવસે ભારતને જીતવા માટે 135 વધુ રન બનાવવા પડશે અને તેના હાથમાં ફક્ત 6 વિકેટ બાકી છે. ટીમ ઈન્ડિયાને કેએલ રાહુલ પાસેથી આશા રહેશે, જે ૩૩ રન કરીને અણનમ છે. ભારતીય બેટિંગ લાઇન-અપમાં ઋષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજની બેટિંગ બાકી છે.