IND vs ENG, 3rd Test, Rajkot: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમ 319 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ભારતને 126 રનની લીડ મળી હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 84 રનમાં 4 વિકેટ લીધી હતી. જાડેજાએ 51 રનમાં 2, કુલદીપ યાદવે 77 રનમાં 2 વિકેટ લીધી હતી. બુમરાહ અને અશ્વિનને પણ 1-1 સફળતા મળી હતી.
20 રનમાં ગુમાવી અંતિમ 5 વિકેટ
ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટે સર્વાધિક 153 રન બનાવ્યા હતા. એક સમયે ઈંગ્લેન્ડનો સ્કરો 299 રન પર 5 વિકેટ હતો, ત્યાંથી સમગ્ર ટીમ 319 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ અંતિમ 5 વિકેટ માત્ર 20 રનમાં જ ગુમાવી હતી. બેન સ્ટોક્સે 41 રન અને ઓલી પોપે 39 રનનું યોગદાન આપ્યું હતું.
બીજા દિવસની રમતના અંતે શું હતી સ્થિતિ
બીજા દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટે 207 રન હતો. આ રીતે ઈંગ્લેન્ડ પ્રથમ દાવના આધારે ભારતથી 238 રન પાછળ હતી. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. આજની રમતના અંતે ઈંગ્લેન્ડ તરફથી ઓપનર બેન ડકેટ અને જો રૂટ અણનમ પરત ફર્યા હતા. બેન ડકેટ 133 રન બનાવીને અને જો રૂટ 9 રન બનાવીને ક્રિઝ પર હતા. ભારત તરફથી રવિ અશ્વિન અને મોહમ્મદ સિરાજને 1-1 સફળતા મળી હતી. રવિ અશ્વિને ઓપનર જેક ક્રાઉલીને આઉટ કર્યો હતો. આ સાથે જ રવિ અશ્વિને ટેસ્ટ ફોર્મેટમાં 500 વિકેટનો આંકડો પાર કર્યો. જેક ક્રાઉલીએ 15 રન બનાવ્યા હતા. ઓલી પોપ 39 રન બનાવીને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો.
ત્રીજી ટેસ્ટ દરમિયાન આ ભારતીય બોલરે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવ્યા, જાણો કેવી છે કરિયર
ભારતીય ટીમ 445 રનમાં ઓલઆઉટ
ભારતીય ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 445 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 112 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 131 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સરફરાઝ ખાને 62 રન, ધ્રુવ જુરેલે 46 રન અને રવિચંદ્રન અશ્વિને 37 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં જસપ્રીત બુમરાહે 28 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. બુમરાહે ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી માર્ક વૂડે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય રેહાન અહેમદને બે સફળતા મળી. જેમ્સ એન્ડરસન, ટોમ હાર્ટલી અને જો રૂટે એક-એક વિકેટ લીધી હતી.