IND vs ENG 4th Test: રુટે સદી ફટકારી ઈંગ્લેન્ડની કરાવી વાપસી,પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન

IND vs ENG 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે

gujarati.abplive.com Last Updated: 23 Feb 2024 04:44 PM
પહેલા દિવસની રમત સમાપ્ત

ચોથી ટેસ્ટના પહેલા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 302 રન છે. જોકે ઈંગ્લેન્ડે સારી રિકવરી કરી લીધી છે. લંચ સુધી ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. પરંતુ રૂટે સદી ફટકારીને ઈંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં લાવી દીધું. ફોક્સે પણ 47 રન બનાવીને સારું યોગદાન આપ્યું હતું. દિવસની રમતના અંત સુધી રૂટ 106 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલા આકાશદીપે 3 વિકેટ ઝડપી હતી. સિરાજને બે જ્યારે અશ્વિન અને જાડેજાને 1-1 વિકેટ મળી હતી.


 





મોહમ્મદ સિરાજ ટોમ હાર્ટલીને બોલ્ડ કર્યો

ભારતીય ટીમને સાતમી સફળતા મળી છે. મોહમ્મદ સિરાજે ટોમ હાર્ટલીને બોલ્ડ આઉટ કર્યો હતો. ટોમ હાર્ટલીએ 26 બોલમાં 13 રન બનાવ્યા હતા. હવે ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટે 245 રન છે. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને ઓલી રોબિન્સન ક્રિઝ પર છે.

પ્રથમ દિવસે ટી બ્રેક સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા

પ્રથમ દિવસે ટી બ્રેક સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. હાલમાં જો રૂટ 67 અને બેન ફોક્સ 28 રન સાથે ક્રિઝ પર છે. અત્યાર સુધી બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 86 રનની ભાગીદારી થઈ છે.


પ્રથમ સત્ર ભારતના નામે હતું. આ મેચમાં ઈંગ્લેન્ડે 112 રન બનાવ્યા હતા અને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. બીજા સેશનમાં રૂટ અને ફોક્સે ધીમી પરંતુ મક્કમ બેટિંગ કરી હતી. આ સેશનમાં ઈંગ્લેન્ડે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 86 રન બનાવ્યા હતા. આ સીરિઝમાં અત્યાર સુધી પહેલીવાર એવું બન્યું છે કે ઈંગ્લેન્ડે એક સેશનમાં એક પણ વિકેટ ગુમાવી નથી.


રૂટ અને ફોક્સે અત્યાર સુધીમાં 221 બોલ રમ્યા છે. આ પહેલા પોપ અને ફોક્સ વચ્ચે હૈદરાબાદમાં 181 બોલમાં સૌથી વધુ ભાગીદારી નોંધાઈ હતી. ઉપરાંત આ શ્રેણીમાં પ્રથમ વખત ભારતે ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન કોઈપણ સેશનમાં કોઈ વિકેટ લીધી ન હતી.





રૂટ અને ફોક્સ વચ્ચે અડધી સદીની ભાગીદારી

જો રૂટ અને બેન ફોક્સ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 125 બોલમાં 53 રનની ભાગીદારી કરી છે. ઈંગ્લેન્ડનો સ્કોર પાંચ વિકેટે 165 રન પર પહોંચી ગયો છે. 

રૂટની અડધી સદી

ઈંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા છે. રૂટે આ શ્રેણીની પોતાની પ્રથમ અડધી સદી 108 બોલમાં પૂરી કરી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની 61મી અડધી સદી હતી. એશિયામાં છેલ્લી 19 ઇનિંગ્સમાં આ તેની બીજી અડધી સદી છે.   આ મામલે તે રિકી પોન્ટિંગની સાથે ટોચ પર છે. રૂટે બેન ફોક્સ સાથે 60થી વધુ રનની ભાગીદારી પણ કરી છે. 





પ્રથમ દિવસે લંચ બ્રેક સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા

પ્રથમ દિવસે લંચ બ્રેક સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી. આકાશે તેની બીજી ઓવરમાં જેક ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. જો કે, તે બોલ નો બોલ નીકળ્યો. પછી તેણે બેન ડકેટને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે કેચ કરાવ્યો. ડકેટ 11 રન બનાવી શક્યો હતો. આ પછી તેણે એ જ ઓવરમાં ઓલી પોપને LBW આઉટ કર્યો હતો. પોપ ખાતું ખોલાવી શક્યો ન હતો. એક ઓવરમાં બે વિકેટ પડી જતાં ઇંગ્લિશ ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. બાદમાં આકાશે ક્રાઉલી 42 રન પર આઉટ કર્યો હતો.  અશ્વિને જોની બેયરસ્ટોને અને રવિન્દ્ર જાડેજાએ બેન સ્ટોક્સને પેવેલિયન મોકલીને ઈંગ્લેન્ડની અડધી ટીમને આઉટ કરી દીધી હતી.





આકાશદીપનો કહેર

રાંચીમાં આકાશ દીપનો કહેર જોવા મળી રહ્યો છે. તેણે ઈંગ્લેન્ડના ત્રણ બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા છે. આકાશે ઈનિંગ્સની 12મી ઓવરમાં જેક ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્રણ વિકેટ ગુમાવીને ઈંગ્લેન્ડનો સ્કોર હાલમાં 57 રન છે. જો રૂટ અને જોની બેયરસ્ટો ક્રિઝ પર છે.

આકાશદીપને એક ઓવરમાં બે વિકેટ મળી

આકાશ દીપે તેની પાંચમી અને ઇગ્લેન્ડની 10મી ઓવરમાં બે વિકેટ લીધી હતી. તેણે ઓવરના બીજા બોલ પર બેન ડકેટને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે કેચ આઉટ કરાવ્યો. તે 11 રન બનાવી શક્યો હતો. આ પછી આકાશે ઓલી પોપને ઓવરના ચોથા બોલ પર LBW આઉટ થયો હતો. પોપ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.

ભારતની પ્લેઇંગ-11

આકાશદીપને ડેબ્યૂની તક

જસપ્રીત બુમરાહને આ ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તેના સ્થાને RCBના ફાસ્ટ બોલર આકાશ દીપને ડેબ્યૂ કરવામાં આવી રહ્યો છે. ડેબ્યૂ કેપ મેળવનાર તે ભારતનો 313મો ખેલાડી છે. આકાશે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ દ્વારા ડેબ્યૂ કેપ આપવામાં આવી હતી. આકાશની માતા પણ તેને કેપ આપતા સમયે હાજર રહ્યા હતા. આકાશે 30 ફર્સ્ટ ક્લાસ મેચમાં 104 વિકેટ લીધી છે.





રાંચી ટેસ્ટમાં ઇગ્લેન્ડે જીત્યો ટોસ, બેટિંગ પસંદ કરી

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ગેરહાજરી છતાં ભારત ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને શ્રેણીમાં અજેય લીડ લેવાનો પ્રયાસ કરશે. ભારત હાલમાં 2-1થી આગળ છે અને તેની નજર ઘરઆંગણે સતત 17મી શ્રેણી જીતવા પર છે.


2012માં એલિસ્ટર કૂકની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમ સામે હાર્યા બાદ ભારતીય ટીમે ઘરઆંગણે સતત સારું પ્રદર્શન કર્યું છે. તે પછી તેણે 47 ટેસ્ટ મેચોમાંથી 38 જીતી છે. દરમિયાન તેને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ તરફથી જ હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલી, કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની ગેરહાજરીમાં રોહિત શર્માના નેતૃત્વમાં યુવા બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.


યુવા ટીમમાં તાકાત છે


પછી તે યશસ્વી જયસ્વાલ હોય કે સરફરાઝ ખાન. જયસ્વાલે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પ્રથમ ત્રણ મેચમાં 545 રન બનાવ્યા છે જેમાં બે બેવડી સદી સામેલ છે. સરફરાઝે પોતાની પ્રથમ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. શુભમન ગીલે પણ ત્રીજી મેચમાં સારુ પ્રદર્શન કર્યું હતુ. સીરિઝમાં અત્યાર સુધી સૌથી વધુ 17 વિકેટ ઝડપનાર બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. ધર્મશાલામાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે.


મુકેશ અને આકાશદીપ વચ્ચે પસંદગી માટે સ્પર્ધા


સિરાજની સાથે બંગાળના મુકેશ કુમાર અને આકાશદીપની પસંદગી થઈ શકે છે. મુકેશ કુમાર વધુ અનુભવી છે. તેણે તાજેતરમાં રણજી ટ્રોફીમાં 10 વિકેટ લીધી હતી. તે બીજી ટેસ્ટ મેચ રમ્યો હતો જેમાં તેણે બંને દાવમાં કુલ 12 ઓવરમાં એક-એક વિકેટ લીધી હતી. હવે જોવાનું એ રહે છે કે ટીમ મેનેજમેન્ટ મુકેશ પર વિશ્વાસ રાખે છે કે પછી આકાશદીપને પ્રથમ ટેસ્ટમાં રમવાની તક આપે છે.


આ મેદાન પર છેલ્લી ટેસ્ટ 2019માં રમાઈ હતી. ત્યારબાદ ઝડપી બોલર મોહમ્મદ શમી અને ઉમેશ યાદવે દક્ષિણ આફ્રિકા સામે 10-10 વિકેટ લીધી હતી. ભારતીય સ્પિનરોએ આઠ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે ટોમ હાર્ટલીની સાથે ઓફ સ્પિનર ​​શોએબ બશીરને ટીમમાં સામેલ કર્યો છે. તે લેગ સ્પિનર ​​રેહાન અહેમદનું સ્થાન લેશે. ત્રીજા સ્પિનરની ભૂમિકા જો રૂટ ભજવશે.


રજત પાટીદાર પ્લેઈંગ-11માંથી બહાર થઈ શકે છે


બીજી તરફ રજત પાટીદાર પ્લેઈંગ-11માંથી બહાર થઈ શકે છે. રજતને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી. તે પ્રથમ દાવમાં 32 રન અને બીજા દાવમાં નવ રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ તેમને રાજકોટમાં વધુ એક તક આપવામાં આવી હતી. રજત ફરી એકવાર નિષ્ફળ ગયો. તે પ્રથમ દાવમાં માત્ર પાંચ રન જ બનાવી શક્યો હતો. બીજી ઇનિંગમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ચાર ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ન ફટકારનાર રજતને બહાર બેસવું પડી શકે છે.


રજતની જગ્યાએ કર્ણાટકના ડાબા હાથના બેટ્સમેન દેવદત્ત પડિક્કલને તક મળી શકે છે. પડિક્કલે 31 ફર્સ્ટ ક્લાસ મેચમાં 44.54ની એવરેજથી 2227 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે છ સદી અને 12 અડધી સદી ફટકારી છે. દેવદત્તે તેની છેલ્લી 11 ઇનિંગ્સમાં પાંચ સદી ફટકારી છે. તેણે કર્ણાટક માટે ત્રણ અને ઈન્ડિયા-A માટે બે સદી ફટકારી છે. તેના શાનદાર ફોર્મને જોતા રોહિત શર્મા તેને રાંચી ટેસ્ટમાં રજત પાટીદારના સ્થાને તક આપી શકે છે.


એવું લાગે છે કે ભારતીય ટીમ બે ફાસ્ટ બોલર અને ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં અક્ષર પટેલની વાપસીની શક્યતા ઓછી જણાઈ રહી છે. ટીમમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવનું સ્થાન નિશ્વિત છે.


ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11


 જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), શોએબ બશીર, ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન.


ભારતની સંભવિત પ્લેઈંગ 11


યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, સરફરાઝ ખાન, રજત પાટીદાર/દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, આકાશ દીપ/મુકેશ કુમાર, મોહમ્મદ સિરાજ

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.