India vs England 5th Test: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલા મંગળવારે હેલિકોપ્ટર મારફતે ધર્મશાલા પહોંચ્યો હતો. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ ઇગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા પાંચમી ટેસ્ટ જીતીને સીરિઝ 4-1થી જીતવા ઈચ્છશે. આ સાથે જ ઇંગ્લિશ ટીમ છેલ્લી ટેસ્ટ જીતવા માટે તમામ પ્રયાસ કરશે.





ભારત ટેસ્ટ શ્રેણીની શરૂઆતની મેચ હારી ગયું હતું, પરંતુ વિશાખાપટ્ટનમ, રાજકોટ અને રાંચીમાં સતત જીત સાથે શ્રેણી જીતવા માટે શાનદાર વાપસી કરી હતી.  નોંધનીય છે કે રોહિત શર્મા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા જામનગર ગયો હતો. રોહિત જામનગરથી મુંબઈ આવ્યો હતો અને ત્યાંથી ધર્મશાલા જવા રવાના થયો હતો.


ત્યારબાદ રોહિત શર્માએ બિલાસપુરમાં રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ત્યાં તેના ચાહકો સાથે ક્રિકેટ પણ રમ્યો હતો. જ્યાં HPCAના અધિકારીઓ અને કાર્યક્રમના આયોજકો દ્વારા રોહિત શર્માનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રોહિત શર્માને સુરક્ષા અધિકારીઓ સાથે હેલિકોપ્ટરમાંથી કારમાં લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


ધર્મશાલા ટેસ્ટ માટેની ભારતીય ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, આર.અશ્વિન , રવિન્દ્ર જાડેજા , અક્ષર પટેલ , કુલદીપ યાદવ , મોહમ્મદ સિરાજ , મુકેશ કુમાર અને આકાશ દીપ.