નવી દિલ્હીઃ ચેન્નાઇમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે જબરદસ્ત બેટિંગ કરી છે, પ્રથમ ઇનિંગમાં 180 ઓવર રમીને 8 વિકેટના નુકશાને 555 રન ખડકી નાંખ્યા છે. આ વિશાળ સ્કૉરમાં સૌથી મોટુ યોગદાન ઇંગ્લિશ કેપ્ટન જૉ રૂટે આપ્યુ છે. જૉ રૂટે ભારતીય બૉલરોને ચારેય બાજુ ફટકારતાં જબરદસ્ત બેવડી સદી ફટકારી છે. જૉ રૂટની ડબલ સદી થતાંજ પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન એન્ડ્ર્યૂ ફ્લિન્ટોફે બૉલીવુડ સુપરસ્ટાર બિગબીને ઝાટકી નાંખ્યા છે. એન્ડ્ર્યૂ ફ્લિન્ટોફ અમિતાભ બચ્ચન પર ટ્વીટર પર તાડુક્યો છે.


રુટની આ પાંચમી બેવડી સદી છે. રૂટ પોતાની 100મી ટેસ્ટ મેચમાં બેવડી સદી નોંધાવનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે. તેની વચ્ચે રૂટની શાનદાર બેટિંગને લઈ ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર એન્ડ્રયૂ ફ્લિંટોફે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પાંચ વર્ષ જૂનું ટ્વિટ શેર કરીને તેમને ટ્રોલ કર્યા છે.

(પ્રતિકાત્મક તસવીર)

ખરેખરમાં, 2016માં ઇંગ્લેન્ડ ટીમ જ્યારે ભારત પ્રવાસે આવી હતી તે સમયે અમિતાભ બચ્ચને જૉ રૂટ પર સવાલો ઉઠાવ્યા હતા. અમિતાભ બચ્ચને એટલે સુધી લખી નાંખ્યુ હતુ કે રૂટ કોણ છે, તેને તો અમે મૂળમાંથી જ ઉખાડી ફેંકી દેશું.

પરંતુ હવે ફ્લિન્ટૉફે આ ટ્વીટને લઇને અમિતાભ બચ્ચન પર નિશાન સાધ્યુ છે. ફ્લિન્ટૉફે અમિતાભ બચ્ચનના પાંચ વર્ષ જુના ટ્વીટ પર જવાબ આપતા લખ્યું જુઓ કેટલુ સારુ રમ્યો છે.



ભારત સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં રૂટ 218 રન બનાવીને આઉટ થયો હતો. તેની સાથે તે 98, 99, અને 100મી ટેસ્ટમાં સતત સદી નોંધાવનાર પહેલો ખેલાડી બની ગયો છે.