નવી દિલ્હીઃ ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ હારી ચૂકી છે. ચેન્નાઇમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રને શરમજનક હાર આપી હતી, હવે બીજી ટેસ્ટ મેચ પણ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ મેદાનમાં જ રમાવવાની છે. આગામી 13 ફેબ્રુઆરીએ શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટ પહેલા બીસીસીઆઇએ એક મોટો ફેંસલો કર્યો છે.


બીસીસીઆઇએ ચેન્નાઇના મેદાનની પીચની દેખરેખ કરનારા ક્યૂરેટરને હટાવી દીધો છે. ઇન્ડિયન ટીમ મેનેજમેન્ટ હવે ગ્રાઉન્ડમેન વી. રમેશ કુમારની સાથે મળીને પીચની જવાબદારી સંભાળી રહ્યું છે.

રમેશ કુમારની આગેવાનીમાં પીચમાં ફેરફાર જોવા મળશે. સામે આવેલી માહિતી પ્રમાણે હવે પીચમાં લાલની જગ્યાએ કાળી માટીનો ઉપયોગ કરવામાં આવશે. પહેલી ટેસ્ટ મેચ બાદ જ ક્યૂરેટર તપોશ ચેટર્જીની છુટ્ટી કરી દેવામાં આવી હતી. તપોશને હવે વિજય હજારે ટ્રૉફી મેચો માટે ઇન્દોર અને જયપુરના મેદાનની પીચ તૈયાર કરવાની જવાબદારી મળી છે. ખાસ વાત છે કે બીસીસીઆઇના આ ફેંસલાથી ટીમ ઇન્ડિયાને બીજી ટેસ્ટમાં મદદ મળી શકે છે. ટીમ ઇન્ડિયા માટે સીરીઝ બચાવવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટકી રહેવા માટે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ જીતવી જરૂરી છે.