નવી દિલ્હીઃ ચેન્નાઇમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ, મેચમાં ઇંગ્લેન્ડે જબરદસ્ત જીત મેળવી પરંતુ ચર્ચા ભારતીય યુવા વિકેટકીપર બેટ્સમેનની તાબડતોડ બેટિંગની થઇ હતી. ઋષભ પંતે ફરી એકવાર ઇંગ્લિશ બૉલરોને ધોળે દિવસે તારા બતાવી દીધા હતા. પંતે જબરદસ્ત હીટિંગ કરતા 91 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ઇનિંગના કારણે ઇંગ્લિશ બૉલર જેક લીચ ડરી ગયો હતો.

પ્રથમ ટેસ્ટ બાદ ઇંગ્લિશ બૉલર લીચે ખુલાસો કરતા કહ્યું કે, તે પ્રથમ ટેસ્ટમાં ઋષભ પંતની વિસ્ફોટક ઇનિંગથી ડરી ગયો હતો, તેને મને ચારેય બાજુ ફટકાર્યો હતો. ત્યારબાદથી મને ટેસ્ટ ક્રિકેટ રમવા પર વિશ્વાસ ઉઠી ગયો હતો.



જેક લીચે મેચના ચોથા અને પાંચમા દિવસે શાનદાર વાસી કરી. લીચે પહેલી ઇનિંગમાં બે અને બીજી ઇનિંગમાં ચાર વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડની 227 રનની જીતમાં મોટુ યોગદાન આપ્યુ હતુ. લીચે કહ્યું- આ મારો પહેલો ભારત પ્રવાસ છે, અને શરૂઆત એકદમ સખત રહી, પહેલી ટેસ્ટમાં જીત દરમિયાન કેટલીય ભાવનાઓમાંથી પસાર થવુ પડ્યુ, મને લાગે છે કે આ જ કારણ છે કે આપણે ક્રિકેટને વધુ પસંદ કરીએ છીએ.

લીચે ખુલાસો કરતા કહ્યું કે, ત્રીજા દિવસે આઠ ઓવરમાં મે 77 રન આપ્યા, પંતે મને ચારેય બાજુ ફટકાર્યો, આ પછી મને વિશ્વાસ ન હતો રહ્યો કે હું ફરીથી ટેસ્ટ ક્રિકેટ રમવા ઇચ્છીશ. મને વાસ્તવમાં ગર્વ છે કે મે વાપસી કરી અને ટીમને જીતમાં યોગદાન આપ્યુ.