ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. ખાસ વાત એ છે કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ સુપર-12 તબક્કામાં પાંચમાંથી ચાર મેચ જીતીને ગ્રુપ-2માં ટોચ પર રહી હતી. હવે સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. બંને ટીમો વચ્ચેની આ સેમિફાઇનલ મેચ 10 નવેમ્બર (ગુરુવાર)ના રોજ એડિલેડ ઓવલ ખાતે રમાશે.


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ સેમિફાઈનલ મેચ હાઇવોલ્ટેજ રહેવાની શક્યતા છે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામેની હાર બાદ સતત બે મેચ જીતીને ફોર્મ મેળવ્યું છે, ત્યારે ઈંગ્લેન્ડની ટીમ પણ ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામે જીત મેળવીને શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. જો કે, ઈંગ્લેન્ડ સામેની આ સેમિફાઈનલ મેચને લઈને ભારત સામે કેટલાક પડકારો છે, જેના પર ધ્યાન આપવું જરૂરી છે.


રોહિતનું ખરાબ ફોર્મ


 ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ છે. રોહિત પાંચ મેચમાં 17.80ની એવરેજથી માત્ર 89 રન જ બનાવી શક્યો છે. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં રોહિત માત્ર ચાર રન જ બનાવી શક્યો હતો. નેધરલેન્ડ સામે રોહિત શર્માએ 53 રનની ઇનિંગ રમીને ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા. જોકે, બાદમાં રોહિત દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામે બેટિંગથી શાનદાર પ્રદર્શન કરી શક્યો નહોતો. હવે સેમિફાઇનલ મેચમાં રોહિત શર્મા પાસે સારા પ્રદર્શનની આશા છે.


વુડ-વોક્સથી ખતરો


ભારતીય બેટ્સમેનોએ ઈંગ્લેન્ડના ઝડપી બોલરોથી સાવચેત રહેવું પડશે. ખાસ કરીને માર્ક વુડ ભારતીય ટીમ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. વુડ બોલિંગમાં વિવિધતા લાવવાની સાથે ખતરનાક બાઉન્સર ફેંકવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે ક્રિસ વોક્સ, સેમ કુરન જેવા બોલરો પણ ઈંગ્લેન્ડ માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે. જો ભારતીય ટીમ આ બોલરો સામે સારી બેટિંગ કરશે તો કામ આસાન થઈ જશે.


કોહલી-સૂર્યા પર વધુ પડતી નિર્ભરતા


વર્તમાન T20 વર્લ્ડ કપમાં માત્ર સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીના પ્રદર્શનમાં સાતત્ય જોવા મળ્યું છે અને બંને ખેલાડીઓ ઘણા રન બનાવી રહ્યા છે. આ બે સિવાય અન્ય બેટ્સમેનોનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. રોહિત, હાર્દિક, દિનેશ કાર્તિક સારી બેટિંગ કરી શક્યા નથી. સારી વાત એ છે કે કેએલ રાહુલે છેલ્લી બે મેચમાં રન બનાવ્યા છે જે સેમિફાઈનલ પહેલા સારા સમાચાર છે.


ઇંગ્લેન્ડની મજબૂત બેટિંગનો સામનો કરવો પડશે


ભારતની જેમ ઇગ્લેન્ડની ટીમ પણ મેચ વિનર ખેલાડીઓથી ભરેલી છે. કેપ્ટન જોસ બટલર અને એલેક્સ હેલ્સ સતત ટીમને સારી શરૂઆત અપાવી રહ્યા છે. સેમિફાઇનલ મેચમાં ભારતીય બોલરોએ આ બંને ખેલાડીઓને જલ્દી પેવેલિયન મોકલવાનું લક્ષ્ય રાખવું જોઈએ. જો ભારતીય ટીમ આ બંને ખેલાડીઓને જલદી આઉટ કરવામાં સફળ રહે છે તો બાકીના ઇંગ્લિશ બેટ્સમેનો પર દબાણ આવી શકે છે. જો કે, ઇંગ્લેન્ડમાં મિડલ ઓર્ડર પણ મજબૂત છે અને તેમની પાસે બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન, હેરી બ્રુક જેવા સ્ટાર ખેલાડીઓ છે.


ફિલ્ડિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે


તાજેતરના સમયમાં ફિલ્ડિંગમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ભારતીય ફિલ્ડરોએ મેદાન પર ઘણી ભૂલો કરી છે. જેમ કે પાકિસ્તાન સામેની મેચમાં શાન મસૂદ આસાનીથી રન આઉટ થઈ ગયો હોત પરંતુ એવું બન્યું નહીં. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં વિરાટ અને રોહિત જેવા સિનિયર ખેલાડીઓએ ફિલ્ડિંગમાં ભૂલો કરી હતી. સેમિફાઇનલ મેચમાં દરેક એક રન મહત્વનો રહેશે, તેથી ભારતીય ખેલાડીઓએ મેદાન પર સારી ફિલ્ડિંગ કરવી પડશે.