England vs India: ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામમાં રમાયેલી બીજી T-20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 3 મેચની શ્રેણીમાં 0-2ની અજેય લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 121 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ખતરનાક બોલિંગ કરી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી.


ભારતે આપેલા લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ માટે જેસન રોય અને જોસ બટલર ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોય ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. જ્યારે બટલર 4 રન બનાવીને આઉટ થયો હતો. ડેવિડ મલાને 19 રનની ઇનિંગ રમી હતી. તેણે 25 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. લિયામ લિવિંગસ્ટોને 15 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 21 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. સેમ કુરન 2 રન અને હેરી બ્રુકે 8 રન બનાવીને આઉટ થયા હતા. આ રીતે ઈંગ્લેન્ડની ટીમ 17 ઓવરમાં 121 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.


ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 3 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. ભુવીએ મેડન ઓવર પણ લીધી હતી. જસપ્રિત બુમરાહે 3 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે મેડન ઓવર પણ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 2 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા અને હર્ષલ પટેલને પણ એક-એક સફળતા મળી છે.


પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ જોરદાર ઇનિંગ રમી હતી. તેણે 29 બોલમાં અણનમ 46 રન બનાવ્યા હતા. જાડેજાની ઇનિંગમાં 5 ચોગ્ગા પણ સામેલ હતા. રોહિત શર્માએ 31 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 20 બોલમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રિષભ પંત 26 રન બનાવીને આઉટ થયો હતો. પંતે 15 બોલનો સામનો કરીને 4 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા 12 રન અને સૂર્યકુમાર યાદવે 15 રન બનાવીને પરત ફર્યા હતા.