IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણી 12 જુલાઈથી શરુ થવા જઈ રહી છે. ટી-20 સિરીઝની જેમ વન ડેમાં પણ રોહિત શર્મા ટીમની કમાનમાં જોવા મળશે. જોકે વન ડે શ્રેણી દરમિયાન ભારતનું બોલિંગ આક્રમણ સંપૂર્ણપણે બદલાયેલું લાગી શકે છે. ભારતીય સમય પ્રમાણે પ્રથમ વન ડે સાંજે 5.30 કલાકથી શરૂ થશે.
વન-ડે સિરીઝમાં ઓપનરની ભૂમિકામાં સુકાની રોહિત શર્મા રહેશે. ઓપનિંગમાં રોહિત શર્મા શિખર ધવનની સાથે રહેશે. પસંદગીકારોએ ભલે ધવનને ટી-20માં તક ન આપી હોય, પણ વન ડેના ફોર્મેટમાં તેનામાં ભરોસો જાળવી રાખ્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા નંબરની પોઝિશન પર રમતો જોવા મળશે.
વિકેટકીપરની જવાબદારી રિષભ પંતના ખભા પર રહેશે અને ચોથા નંબર પર બેટિંગ કરશે. પાંચમા નંબરને લઈને શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવ વચ્ચે ટક્કર થશે. સૂર્યકુમાર યાદવે ત્રીજી ટી-20માં સદી ફટકારી હોવાથી પાંચમા ક્રમે તેનો દાવો મજબુત બની શકે છે.
હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ફિનિશર અને ઓલરાઉન્ડરની ભૂમિકામાં હશે. હાર્દિક પંડ્યા નંબર 6 પર બેટિંગ કરશે અને રવિન્દ્ર જાડેજા પાસે નંબર 7 ની જવાબદારી હશે. શાર્દુલ ઠાકુરે પણ તાજેતરમાં જ બેટથી સારું પ્રદર્શન કર્યું છે અને ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓને જોતા તેને નંબર 8 પર તક આપવામાં આવશે. ચહલ પાસે સ્પિન વિભાગનો હવાલો હશે. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે.
ભારતની સંભવિત પ્લેઇંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી.
ભારત અને ઇંગ્લેન્ડ મેચનુ લાઇવ બ્રૉડકાસ્ટ કઇ ચેનલ પરથી થશે ?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સારિઝનું લાઇવ પ્રસારણ ભારતમાં સોની સ્પોર્ટ્સ પર થશે. તમે સોની સ્પોર્ટ્સ 1 અને સોની સ્પોર્ટ્સ 1 એચડી અને સોની ટેન થ્રી પર મેચનું લાઇવ પ્રસારણ જોઇ શકો છો.
ભારત અને ઇંગ્લેન્ડ વન ડે સીરિઝનું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઇ શકો છો ?
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે વન ડે સીરિઝનું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર જોઇ શકો છો.