IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ એજબેસ્ટોનમાં રમાઈ રહી છે. મેચના બીજા દિવસની શરૂઆતમાં જ જાડેજાએ સદી પૂરી કરી હતી. આ સાથે એક અનોખો રેકોર્ડ બન્યો હતો. ટીમ ઈન્ડિયાની એક જ ઈનિંગમાં બે ડાબોડી બેટ્સમેને સદી ફટકારી હોય તેવી માત્ર ત્રીજી ઘટના બની હતી.
ભારતના બે ડાબોડી બેટ્સમેને એક જ ઈનિંગમાં સદી ફટકારી હોય તેવી ઘટના
- સદા ગોપન રમેશ (110 રન) અને સૌરવ ગાંગુલી (125 રન) V ન્યૂઝીલેન્ડ, અમદાવાદ, 1999
- સૌરવ ગાંગુલી (239 રન) અને યુવરાજ સિંહ (169 રન) V પાકિસ્તાન, બેંગ્લુરુ, 2007
- રિષભ પંત (146 રન) અને રવિન્દ્ર જાડેજા (100 રન) V ઈંગ્લેન્ડ, બર્મિંઘહામ, 2022
રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ
આ સિવાય રવિન્દ્ર જાડેજા એક જ કલેન્ડરમાં સાતમાં કે તેનાથી નીચલા ક્રમે બે ટેસ્ટ સદી ફટકારનારો ચોથો ખેલાડી બન્યો હતો. કપિલ દેવે 1986માં, મહેન્દ્ર ધોનીએ 2009માં, હરભજન સિંહે 2010માં અને જાડેજાએ 2022માં આ કારનામું કર્યુ છે.
પ્રથમ દિવસે શું થયું
એજબેસ્ટોનમાં બુમરાહની કેપ્ટન્સીમાં ભારત ગત વર્ષે અધુરી રહેલી શ્રેણીની પાંચમી અને આખરી ટેસ્ટ રમવા માટે ઈંગ્લેન્ડ સામે ઉતર્યું હતુ. ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડે વરસાદી વાતાવરણનો ફાયદો ઉઠાવ્યો હતો. એન્ડરસને ભારતના બંને ઓપનરો ગિલ (17 રન) અને પુજારા (13 રન)ને પેવેલિયન ભેગા કરી દીધા હતા. માત્ર 46ના સ્કોર પર ભારતે બે વિકેટ ગુમાવતા મીડલ ઓર્ડર પર દબાણ સર્જાયું હતુ. જે બાદ હનુમા વિહાર (20 રન), વિરાટ કોહલી (11 રન), શ્રેયસ ઐયર (15 રન) બનાવી આઉટ થતાં ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 98 રન થઈ ગયો હતો.
પંત-જાડેજા વચ્ચે છઠ્ઠી વિકેટમાં 222 રનની ભાગીદારી
વિકેટકિપર પંત અને ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી ઈંગ્લેન્ડની ભારતને સસ્તામાં આઉટ કરવાની આશા પર પાણી ફેરવ્યું હતું. વિકેટકિપર બેટ્સમેન પંતની કારકિર્દીની પાંચમી સદી (111 બોલમાં 146 રન) અને જાડેજા (84*) સાથેની તેની પાંચમી વિકેટની 222 રનની ભાગીદારીને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે પ્રથમ ઈનિંગમાં 7 વિકેટે 338 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસને 3, પોટ્ટસે 2 તથા કેપ્ટન સ્ટોક્સે 1 વિકેટ લીધી હતી.
બંને ટીમો આ પ્રમાણે છે
ભારત: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડ: બેન સ્ટોક્સ (કેપ્ટન) એલેક્સ લીઝ, જૈક ક્રાઉલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, સૈમ વિલિંગ્સ, મેથ્યૂ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ અને જેમ્સ એન્ડરસન.