IND vs ENG Playing 11: ઈંગ્લેન્ડે ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે. પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ગુરુવાર (25 જાન્યુઆરી)થી રમાશે. ઇંગ્લિશ ટીમે અનુભવી ઝડપી બૉલર જેમ્સ એન્ડરસનનો પ્લેઇંગ-11માં સમાવેશ કર્યો નથી. તેણે લેફ્ટ આર્મ સ્પિનર ​​ટૉમ હાર્ટલીને તક આપી છે. તે પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મેચ રમશે.


ઈંગ્લેન્ડને આશા છે કે હૈદરાબાદની પીચ સ્પિનરોને મદદ કરશે. આ કારણે તેણે પ્લેઇંગ-11માં ત્રણ સ્પિનરોને જગ્યા આપી છે. ટૉમ હાર્ટલી ઉપરાંત અનુભવી જેક લીચ અને યુવા લેગ સ્પિનર ​​રેહાન અહેમદને સ્થાન મળ્યું છે. માર્ક વુડ મુખ્ય ઝડપી બૉલર છે. તેના સિવાય કેપ્ટન બેન સ્ટોક્સ પણ ફાસ્ટ બોલિંગ કરી શકે છે. ટીમમાં ત્રણ મુખ્ય સ્પિનરોની હાજરીને કારણે એન્ડરસનને બહાર બેસવું પડ્યું હતું.


ટૉમ હાર્ટલીની પાસે કેટલો છે અનુભવ ?
ટૉમ હાર્ટલીની વાત કરીએ તો તેણે 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે લેન્કેશાયર માટે 40 વિકેટ ઝડપી છે. ટૉમ હાર્ટલી, લીચ અને અહેમદ ઉપરાંત ઈંગ્લેન્ડ પાસે ઓફ સ્પિનર ​​જો રૂટ પણ છે. અનુભવી બેટ્સમેન રૂટે પોતાની ઓફ સ્પિનથી ઘણી ટીમોને પરેશાન કરી છે. તેણે 2021ના પ્રવાસમાં ભારત સામે એક ઇનિંગમાં પાંચ વિકેટ પણ લીધી હતી.


બેયરસ્ટૉ નહીં કરે વિકેટકીપિંગ 
ઇંગ્લેન્ડે પ્લેઇંગ-11માં સ્પષ્ટ કરી દીધું છે કે અનુભવી ખેલાડી જૉની બેયરસ્ટો વિકેટકીપિંગ નહીં કરે. તે આ ટેસ્ટ મેચમાં બેટ્સમેન તરીકે રમશે. બેન ફૉક્સ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે.


ઇંગ્લેન્ડનો ભારતમાં રેકોર્ડ 
ઈંગ્લેન્ડની ટીમ પહેલીવાર હૈદરાબાદમાં ટેસ્ટ મેચ રમશે. અત્યાર સુધી તેને અહીં ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં રમવાની તક મળી નથી. ઇંગ્લિશ ટીમે ભારતની ધરતી પર અત્યાર સુધીમાં 64 ટેસ્ટ મેચ રમી છે. તેણે માત્ર 14 મેચ જીતી છે. ભારતે 22 મેચ જીતી છે. 28 ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.


પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11 
જેક ક્રૉલ, બેન ડકેટ, ઓલી પોપ, જૉ રૂટ, જૉની બેયરસ્ટો, બેન સ્ટૉક્સ (કેપ્ટન), બેન ફૉક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટૉમ હાર્ટલી, માર્ક વુડ અને જેક લીચ.