IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ આવતીકાલથી ગુરુવાર (25 જાન્યુઆરી)થી શરૂ થઈ રહી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી સીરીઝની પ્રથમ બે મેચમાં નહીં રમે. તેણે અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચ્યું છે. હવે તેના સ્થાને મધ્યપ્રદેશના બેટ્સમેન રજત પાટીદારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. બીસીસીઆઈએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.


હૈદરાબાદમાં બીસીસીઆઈના વાર્ષિક એવોર્ડ સમારોહ દરમિયાન રજત પાટીદાર જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો છે. રજત રણજી ટ્રોફી વિજેતા ટીમનો સભ્ય છે. તે પણ મીડલ ઓર્ડરમાં ચોથા નંબર પર બેટિંગ કરે છે. તેણે અમદાવાદમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે ભારત A માટે પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટમાં 151 રન બનાવ્યા હતા. અગાઉ ઇંગ્લેન્ડ લાયન્સ સામેની બે દિવસીય પ્રેક્ટિસ મેચમાં પાટીદારે 111 રન બનાવ્યા હતા. 30 વર્ષના પાટીદારે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેના આંકડા જબરદસ્ત છે.




નવ મહિના સુધી ક્રિકેટથી દુર રહ્યો હતો રજત પાટીદાર 
પાટીદારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 45.97ની એવરેજથી 4000 રન બનાવ્યા છે. રજતે 12 સદી પણ ફટકારી છે. તેણે મધ્યપ્રદેશને રણજી ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રજતે 2021-22ની સિઝનમાં નવ ઇનિંગ્સમાં 82.25ની એવરેજથી 658 રન બનાવ્યા હતા. તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં બીજા ક્રમે હતો. રજતે મુંબઈ સામેની ફાઇનલમાં પણ મેચ વિનિંગ સદી ફટકારી હતી. એડીની ઈજાને કારણે પાટીદાર લગભગ નવ મહિનાથી બહાર હતો. તેણે સર્જરી કરાવવી પડી. ગયા વર્ષે ડિસેમ્બરમાં, રજતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.


વિરાટ કોહલીને લઇને બીસીસીઆઇએ શું કહ્યું હતુ ?
BCCIએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "વિરાટ કોહલીએ BCCIને અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ સીરીઝની પ્રથમ બે ટેસ્ટમાંથી ખસી જવા વિનંતી કરી છે." વિરાટે કેપ્ટન રોહિત શર્મા, ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સાથે વાત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે દેશનું પ્રતિનિધિત્વ કરવું હંમેશા તેમની ટોચની પ્રાથમિકતા રહી છે, પરંતુ કેટલીક વ્યક્તિગત પરિસ્થિતિઓ તેમની હાજરી અને સંપૂર્ણ ધ્યાનની માંગ કરે છે.


બોર્ડે વધુમાં કહ્યું કે, "BCCI તેમના નિર્ણયનું સન્માન કરે છે." બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે સ્ટાર બેટ્સમેનને તેમનો ટેકો આપ્યો છે અને ટેસ્ટ સીરીઝમાં પ્રશંસનીય પ્રદર્શન કરવા માટે બાકીની ટીમની ક્ષમતાઓ પર વિશ્વાસ છે. BCCI મીડિયા અને ચાહકોને વિનંતી કરે છે કે આ સમય દરમિયાન વિરાટ કોહલીની ગોપનીયતાનું સન્માન કરે અને તેના અંગત કારણો પર અટકળો કરવાનું ટાળે.