Southampton T20: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે એટલે કે ગુરુવારે ત્રણ મેચોની ટી20 સીરીઝની પ્રથમ મેચ સાઉથેમ્પ્ટનમાં (Southampton) રમાશે. જોકે હવે રિપોર્ટ છે કે મેચના ટાઇમિંગને લઇને વિવાદ થયો છે.આ સીરીઝની મેચો રાત્રે ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગ્યાથી શરૂ થવાની છે.
આ ટાઇમિંગને લઇને કહેવાઇ રહ્યું છે કે, બ્રૉડકાસ્ટર, બીસીસીઆઇ અને ભારતીય ક્રિકેટ ફેન્સ ઉપરાંત જાહેરખબર આપનારા ખુશ નથી, ભારતીય સમયાનુસાર રાત્રીની મેચોનો લઇને બીસીસીઆઇ અને બ્રૉડકાસ્ટરોને વાંધો પડ્યો છે, અને એડ આપનારા પણ નારાજ છે.
બદલાઇ ગઇ રોહિત શર્માની આખી ટીમ -
ભારત માટે એક સારા સમાચાર એ છે કે કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર મેદાન પર વાપસી કરી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણથી ઠીક થયા બાદ હવે ટી20 રમવા માટે ફિટ છે. પરંતુ આ બધાની વચ્ચે ખરાબ સમાચાર એ પણ છે કે રોહિતની આખી ટીમ બદલાઇ ગઇ છે, કેમ કે ટેસ્ટ મેચ રમનારા વિરાટ, પંત, બુમરાહ જેવા દિગ્ગજોને આરામ આપવામાં આવ્યો છે, આ દિગ્ગજો ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટી20માં નહીં રમે. આવામાં રોહિતને આખે આખી નવી પ્લેઇંગ ઇલેવન લઇને ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરવુ પડશે.
બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટીમ ઇન્ડિયા -
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સંજૂ સૈમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝર્વેન્દ્ર ચહલ, અવેશ ખાન
ઇગ્લેન્ડ ટીમ-
જોસ બટલર (કેપ્ટન), જેસન રોય, ડેવિડ મલાન, લિયામ લિવિંગસ્ટોન, મોઇન અલી, સેમ કુરન, ક્રિસ જોર્ડન, ડેવિડ વિલી, રીસ ટોપલી, ટાઇમલ મિલ્સ, મેથ્યૂ પાર્કિસન
પિચ રિપોર્ટ -
સાઉથમ્પટનના ધ રોઝ બાઉલ, સાઉથમ્પટન મેદાન પર અત્યાર સુધીમાં કુલ 9 ટી20 મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે 5 મેચ જીતી છે અને બીજી બેટિંગ કરનારી ટીમે 4 મેચ જીતી છે. આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 168 અને બીજી ઈનિંગનો 143 રન છે. અહીંની પીચ બેટિંગ માટે યોગ્ય છે. ટોસ જીતનાર કેપ્ટન પહેલા બેટિંગ કરીને નિર્ણય લઈ શકે છે. આવી સ્થિતિમાં વિપક્ષી ટીમ પર મોટો સ્કોર બનાવીને દબાણ બનાવી શકાય છે.
હવામાન સ્થિતિ -
ગુરુવારે સાઉથમ્પટનમાં વરસાદની શક્યતા ઓછી છે. વેધર વેબસાઈટ એક્યુવેધરના રિપોર્ટ અનુસાર 7 જુલાઈના રોજ 46 ટકા વાદળછાયું વાતાવરણ રહેશે. 39 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મહત્તમ તાપમાન 24 °C અને લઘુત્તમ તાપમાન 12 °C રહેશે. સાંજે હળવા વાદળો રહેશે.
ભારતનું પલ્લું ભારેઃ
ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે અત્યાર સુધી 19 ટી20 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 10 અને ઈંગ્લેન્ડે 9 મેચ જીતી છે. ભારતની બહાર બંને ટીમો વચ્ચે 6 T20 મેચ રમી છે જેમાંથી ભારતે 2 અને ઈંગ્લેન્ડે 4 મેચ જીતી છે. ભારતે ઈંગ્લેન્ડ સામે છેલ્લી ત્રણ દ્વિપક્ષીય ટી20 સિરીઝ જીતી છે. ભારતે 2017માં 2-1થી, 2018માં 2-1થી અને 2021માં 3-2થી સીરીઝ જીતી હતી.
એજબેસ્ટૉન ટેસ્ટમાં ભારતને મળી કારમી હાર -
એજબેસ્ટૉન ટેસ્ટમાં (Edgbaston Test) ભારતીય ટીમ (Indian Team)ને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે ઇંગ્લેન્ડ (England) ની સામે જીત માટે 378 રનોનુ વિશાળ લક્ષ્ય મુખ્યુ હતુ, જૉ રૂટ (Joe Root) અને જૉન બેયરર્સ્ટૉ (Jonny Bairstow)ની શતકીય ઇનિંગના કારણે યજમાન ટીમે 3 વિકેટ ગુમાવીને આસાનીથી ટેસ્ટ મેચ જીતી લીધી હતી.