Virat Kohli England vs India 5th Test Birmingham: ટીમ ઈન્ડિયા બર્મિંગહામ ટેસ્ટ મેચમાં બીજી ઈનિંગ રમી રહી છે. આ પહેલા ઈંગ્લેન્ડના ખેલાડીઓ પ્રથમ દાવમાં 284 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયા હતા. બીજા દાવમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 75 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતની ત્રીજી વિકેટ વિરાટ કોહલીના રૂપમાં પડી. તે 20 રન બનાવીને આઉટ થયો હતો. જો કે તેમ છતાં તેણે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. ઇંગ્લેન્ડ સામે 100 ઇનિંગ્સમાં બેટિંગ કરનાર કોહલી એકમાત્ર ભારતીય બન્યો છે.


ઇંગ્લેન્ડ સામે 100 ઇનિંગ્સમાં બેટિંગ કરનાર કોહલીઃ
કોહલી પ્રથમ દાવમાં માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બીજી ઇનિંગમાં તેણે 40 બોલનો સામનો કર્યો અને 20 રન બનાવીને આઉટ થયો. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડ સામે 100 ઇનિંગ્સમાં બેટિંગ કરનાર કોહલી એકમાત્ર ભારતીય છે. કોહલીએ બર્મિંગહામ ટેસ્ટની બીજી ઈનિંગમાં રમતા 100 ઈનિંગ્સ પૂરી કરી હતી. આ મામલામાં મહેન્દ્ર સિંહ ધોની બીજા સ્થાને છે. ધોનીએ ઈંગ્લેન્ડ સામે 93 ઈનિંગ્સમાં બેટિંગ કરી છે. જ્યારે સચિન તેંડુલકર 90 ઇનિંગ્સ સાથે ત્રીજા સ્થાને છે.


નોંધપાત્ર વાત એ છે કે, ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 416 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ માટે રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંતે સદી ફટકારી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 284 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી જોની બેયરસ્ટોએ સદી ફટકારી હતી. ભારતીય ટીમ હવે બીજી ઇનિંગ રમી રહી છે. જોકે તેની શરૂઆત સારી રહી ન હતી.


ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ ઇનિંગ્સમાં બેટિંગ કરનાર ભારતીય ખેલાડીઓ -


100 - વિરાટ કોહલી*
93 - એમએસ ધોની
90 - સચિન તેંડુલકર