Virat Kohli England vs India Birmingham: ઈંગ્લેન્ડે બર્મિંગહામ ટેસ્ટના પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 284 રન બનાવ્યા હતા. આ દરમિયાન જોની બેયરસ્ટોએ ટીમ માટે સદી ફટકારી હતી. જ્યારે ભારત તરફથી મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે 3 વિકેટ લીધી હતી. આ ઈનિંગ દરમિયાન પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો હતો. કોહલી બે ટીમો સામે 50 થી વધુ કેચ પકડનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.
ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ દરમિયાન વિરાટ કોહલીએ જોની બેરસ્ટોનો કેચ લીધો હતો. આ કેચ સાથે તેણે ઈંગ્લેન્ડ તરફથી રમતા 50 કેચ પૂરા કર્યા. જ્યારે તેણે ઓસ્ટ્રેલિયા સામે 55 કેચ પકડ્યા છે. કોહલી ભારત તરફથી રમતા કોઈપણ બે ટીમો સામે 50 થી વધુ કેચ પકડનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. જો ટેસ્ટ મેચમાં સૌથી વધુ કેચ લેવાની વાત કરીએ તો આ રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. તેણે 210 કેચ લીધા છે.
નોંધપાત્ર વાત એ છે કે, ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 416 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 284 રન બનાવ્યા હતા. હવે ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગ રમી રહી છે. ભારતની શરૂઆત પ્રથમ દાવની જેમ બીજી ઈનિંગમાં પણ સારી રહી ન હતી. ભારતની પ્રથમ વિકેટ માત્ર 4 રનના સ્કોર પર પડી હતી. ઓપનર શુભમન ગિલને જેમ્સ એન્ડરસને આઉટ કર્યો હતો.
બેયરસ્ટો અને કોહલી સામ-સામેઃ
કોહલી હંમેશા પોતાના ઉગ્ર અંદાજ માટે ચર્ચામાં રહેતો હોય છે. આવું જ કંઈક ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં બન્યુ છે. 31મી ઓવરમાં બેયરસ્ટોએ ફટકારેલ એક શોટ્સ પર પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બેયરસ્ટો સામ-સામે આવી ગયા હતા. દરમિયાન બેયરસ્ટો પણ કોહલી સાતે વાત કરવા તેની પાસે પહોંચી ગયો હતો. વિરાટ કોહલીએ બેયરસ્ટો સાથે કોઈ મુદ્દા પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. કોહલીના રિએક્શન અંગે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો વિરાટના આ અંદાજને પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો વિરાટને એરોગન્ટ કહી રહ્યા છે.