Jadeja Stunning Catch: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ વન ડે મેચોની સિરીઝની છેલ્લી મેચ આજે રમાઈ રહી છે. આ મેચમાં પહેલાં બેટિંગ કરતાં ઈંગ્લેન્ડની ટીમ 45.5 ઓવરના અંતે 259 રનમાં ઓલ આઉટ થઈ હતી. આ દરમિયાન ભારતના ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ પોતાનું શાનદાર પ્રદર્શન કરતાં 4 વિકેટ ઝડપી હતી. હાર્દિકે આ દરમિયાન ઈંગ્લેન્ડની મહત્વની વિકેટ ઝડપી હતી જેમાં કેપ્ટન જોસ બટલરનો પણ સમાવેશ થાય છે. હાર્દિકે બટલરને 60 રનના સ્કોર પર પવેલિયન ભેગો કર્યો હતો.
જાડેજાનો શાનદાર કેચઃ
37મી ઓવરમાં હાર્દિક પંડ્યા બોલિંગ કરવા આવ્યો હતો અને આ ઓવરના છેલ્લા બોલ પર જોસ બટલર બાઉન્ડ્રી ફટકારવા ગયો હતો જ્યાં તે રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. બટલરે શોટ ગેપમાં જ ફટકાર્યો હતો પરંતુ થોડે દૂર ફિલ્ડીંગ કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ બટલરનો કેચ કરવાની તક નહોતી ગુમાવી અને છલાંગ લગાવીને બટલરને આઉટ કર્યો હતો. આમ ફરીથી રવિન્દ્ર જાડેજાએ પોતાની દમદાર ફિલ્ડીંગનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું. અસંભવ લાગતો આ કેચ કરીને રવિન્દ્ર જાડેજાએ ઈંગેન્ડની મહત્વની વિકેટ ઝડપવામાં સફળતા અપાવી હતી. આ સાથે હાર્દિક પંડ્યાએ 37 ઓવરમાં કુલ 2 વિકેટ ઝડપી હતી. બટલરની પહેલાં હાર્દિકના બોલ પર જ લિયામ લિવિંગસ્ટોન 27 રનના અંગત સ્કોર પર રવિન્દ્ર જાડેજાના હાથે જ કેચ આઉટ થયો હતો.
ઈંગ્લેન્ડ ક્રિકેટે વીડિયો ટ્વીટ કર્યોઃ
જાડેજાએ કરેલા કરેલા આ શાનદાર કેચનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ દ્વારા પણ આ કેચનો વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. જુઓ જાડેજાના દમદાર કેચનો વીડિયો...