IND vs HK, Asia Cup 2022: દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે એશિયા કપ 2022માં આજે ભારત પોતાની બીજી મેચ હોંગકોંગની ટીમ સામે રમશે. આ પહેલાં હોંગકોંગની ટીમ વર્ષ 2018ના 50-50 ઓવરના એશિયા કપની મેચ ભારત સામે રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા હારથી બચી ગઈ હતી. 2018ની આ મેચ પહેલાં બંને ટીમો એશિયા કપ 2008માં આમને સામને આવી હતી.


ભારત સામે હોંગકોંગના આ ખેલાડી અપસેટ સર્જી શકેઃ


હોંગકોંગની ટીમના કેટલાક એવા ખેલાડી છે જે ભારત માટે મુસીબત સાબિત થઈ શકે છે. આવા જ ખેલાડીઓમાં બાબર હયાતનું નામ આવે છે. બાબર હયાત મુળ પાકિસ્તાની છે અને ઘણા વર્ષોથી હોંગકોંગની ટીમનો કેપ્ટન છે. બાબર હયાત એશિયા કપના ટી20 ફોર્મેટમાં સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. બાબરે 2016ના એશિયા કપમાં ઓમાન સામે ક્વોલિફાઈંગ મેચમાં 60 બોલમાં 122 રનની શાનદાર ઈનિંગ રમી હતી.


હોંગકોંગના બેટ્સમેન બાબર હયાત સિવાય બોલર પણ ભારત સામે અપસેટ સર્જી શકે છે. હોંગકોંગની ટીમનો બોલર એહસાન ખાન પણ પોતાની બોલિંગથી ટીમ ઈન્ડિયાના બેટ્સમેનને પરેશાન કરી શકે છે. એહસાન ખાન પણ મુળ પાકિસ્તાની છે અને તે ઓફ સ્પિન બોલિંગ કરે છે.  ભારતીય ટીમ હોંગકોંગ સામે અત્યાર સુધી બે વનડે મેચ રમી છે જેમાં એક વખત એહસાને ભારત સામે મેચ રમી હતી. આ મેચ સપ્ટેમ્બર 2018ના એશિયા કપમાં રમાઈ હતી. આ મેચમાં એહસાને ધોનીને આઉટ કર્યો હતો. ધોની ખાતું ખોલ્યા વગર પવેલિયન પરત ફર્યો હતો. આ સાથે એહસાન ખાને રોહિત શર્માને પણ આઉટ કર્યો હતો. 


T20 ઈન્ટરનેશનલમાં પહેલીવાર બંને ટીમો આમને-સામને થશે. પરંતુ છેલ્લી મેચને યાદ રાખીને ટીમ ઈન્ડિયાએ સાવધાન રહેવું પડશે. જો કે, ભારતે અગાઉની બંને મેચોમાં હોંગકોંગને હરાવ્યું છે. 


સંભવિત પ્લેઇંગ ઇલેવન:


રોહિત શર્મા(કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન