India vs New Zealand 1st T20I Ranchi: રાંચીમાં ન્યુઝીલેન્ડે ભારતને 21 રને હરાવ્યું. ન્યુઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતી ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલ અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા. ઈશાન માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે શુભમન 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલ ત્રિપાઠી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી હતી. તેણે 34 બોલનો સામનો કરીને 47 રન બનાવ્યા હતા. સૂર્યાએ આ ઇનિંગમાં 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 21 રનનું યોગદાન આપ્યું હતું.


દીપક હુડ્ડા કંઈ ખાસ કરી શક્યો નથી. તે 10 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. શિવમ માવી 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કુલદીપ યાદવ પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયા ત્રણ મેચની શ્રેણીમાં 0-1થી પાછળ થઈ ગઈ છે.


ડેરીલ મિશેલે બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી


પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. આ દરમિયાન ડેરિલ મિશેલે ઝડપી બેટિંગ કરતા અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે 30 બોલનો સામનો કરીને અણનમ 59 રન બનાવ્યા હતા. મિશેલે 5 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. ડેવોન કોનવેએ પણ અડધી સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ફિન એલને 23 બોલમાં 35 રન બનાવ્યા હતા. એલનની ઇનિંગ્સમાં 4 ફોર અને 2 સિક્સ સામેલ હતી.







વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ લીધી હતી


ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 22 રન આપ્યા હતા. કુલદીપ યાદવે 4 ઓવરમાં 20 રન આપીને એક વિકેટ લીધી હતી. શિવમ માવીએ 2 ઓવરમાં 19 રન આપીને એક વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને પણ સફળતા મળી. જો કે, તેઓ ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 51 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 33 રન આપ્યા હતા. ટીમ ઈન્ડિયાની અંતિમ ઓવરમાં કુલ 27 રન આવ્યા હતા.