રાંચીઃ આવતીકાલે રાંચીમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાશે. ભારતે વન-ડે સીરિઝમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હાર આપી હતી. હાર્દિક પંડ્યા ટી-20 સીરિઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના વરિષ્ઠ ખેલાડીઓને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.


હાલમાં ટી-20 ક્રિકેટમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડીઓને તક આપી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી20 ટીમમાં મોટાભાગે એ જ ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમને આવતા વર્ષના ટી20 વર્લ્ડ કપ માટે પણ ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા છે. ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરિઝમાં કુલ 3 મેચ રમાશે. પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના હોમટાઉન રાંચીમાં રમાવાની છે.


શું પૃથ્વી શૉને પ્રથમ ટી-20 ટીમમાં તક મળશે?


ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં પૃથ્વી શૉને તક મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. પૃથ્વી શૉ લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યો છે. પૃથ્વી શૉએ થોડા દિવસો પહેલા રણજી ટ્રોફી મેચમાં આસામ સામે રેકોર્ડબ્રેક ત્રેવડી સદી (379 રન) ફટકારી હતી. જો જોવામાં આવે તો પૃથ્વી શૉને શુભમન ગિલ અને ઈશાન કિશનની સરખામણીએ પ્રથમ ટી-20 માટે પ્લેઈંગ-11માં ભાગ્યે જ સ્થાન મળશે.


એવું લાગે છે કે શ્રીલંકા સામે આ મહિને રમાયેલી ટી20 શ્રેણી દરમિયાન પ્લેઈંગ-11માં સામેલ મોટાભાગના ખેલાડીઓને પ્રથમ ટી20માં તક મળશે. એટલે કે ઈશાન કિશન અને શુભમન ગિલ ઓપનિંગમાં આવશે. જ્યારે ત્રીજા નંબર પર રાહુલ ત્રિપાઠીને તક મળી શકે છે. સાથે જ સૂર્યકુમાર ચોથા નંબર પર અને હાર્દિક પંડ્યા પાંચમા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. આ પછી દીપક હુડ્ડા અને વોશિંગ્ટન સુંદરને તક મળે તેવી સંભાવના છે.


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20માં જોરદાર મુકાબલો થવાની સંભાવના છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 22 T20 મેચ રમાઈ છે જેમાં ભારતે 10 અને ન્યૂઝીલેન્ડે 9 જીતી છે જ્યારે 3 મેચ ટાઈ રહી છે. આ ત્રણમાંથી બે ટાઈ મેચમાં સુપર ઓવરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.


પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન


શુભમન ગિલ, ઇશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, યુઝર્વેન્દ્ર ચહલ