Champions Trophy 2025 final: ક્રિકેટ જગતના ચાહકોની નજર હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ પર મંડાયેલી છે, જેમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટકરાશે. આ મેચ માત્ર એટલા માટે ખાસ નથી કે 25 વર્ષ બાદ આ બંને ટીમો ફાઇનલમાં સામસામે છે, પરંતુ એક એવા નિયમને કારણે પણ રોમાંચક બની રહેશે જે ભારતીય ટીમના વિજયને અધવચ્ચે જ રોકી શકે છે.


ભારતીય ટીમ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે, જ્યારે ન્યુઝીલેન્ડ 25 વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર આ ટ્રોફી પર કબ્જો જમાવવા માટે પ્રયત્ન કરશે.  પરંતુ મેચના પરિણામને લઈને ICC દ્વારા બનાવવામાં આવેલો એક નિયમ સૌથી વધુ ચર્ચામાં છે. ICCએ ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે, જેથી ખરાબ હવામાન કે અન્ય કોઈ અડચણ આવે તો મેચ 9મી માર્ચના બદલે 10મી માર્ચે રમાડી શકાય. જો 9મી માર્ચે રમત શરૂ ન થાય અથવા પૂર્ણ ન થાય તો 10મી માર્ચે મેચ ત્યાંથી જ શરૂ થશે જ્યાંથી રોકાઈ હતી, અથવા તો સંપૂર્ણ મેચ 10મી માર્ચે રમાશે.


જો કે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર બંને દિવસ રમત શક્ય ન બને તો શું થશે? સેમીફાઈનલમાં તો નિયમ હતો કે મેચ રદ્દ થવા પર ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહેલી ટીમ ફાઇનલમાં પહોંચી જશે, પરંતુ ફાઇનલ માટે આવો કોઈ નિયમ નથી. જો ફાઇનલ મેચ બંને દિવસે રદ્દ થાય છે, તો ICC મેચને પરિણામ વિનાની જાહેર કરશે, અને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ ભારત કે ન્યુઝીલેન્ડ કોઈ પણ ટીમને નહીં મળે. આવી સ્થિતિમાં ટ્રોફી અને ઈનામની રકમ બંને ટીમો વચ્ચે વહેંચી દેવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને ન્યુઝીલેન્ડની આ બીજી ટક્કર હશે. ગ્રુપ સ્ટેજમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે 44 રને વિજય થયો હતો, જેમાં ભારતીય ટીમનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. જો કે, ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં બંને ટીમો બીજી વખત ફાઇનલમાં ટકરાશે. 2002માં રમાયેલી ફાઇનલમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ખિતાબ જીત્યો હતો, ત્યારે આ વખતે કોણ બાજી મારશે તે જોવું રસપ્રદ રહેશે.


આ પણ વાંચો....


ટીમ ઈન્ડિયા માટે 'રવિવાર' જ અસલી વિલન? ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનું જોખમ તોળાઈ રહ્યું છે!