ઈંગ્લેન્ડના મહાન ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહમ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની સેમિફાઈનલ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. બુધવારે (15 નવેમ્બર), બેકહમે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી હતી. બંને યુનિસેફ સાથે સંકળાયેલા છે. મુંબઈમાં મેચ જોતા પહેલા બેકહમે ગુજરાતમાં બાળકો સાથે સમય વિતાવ્યો હતો.






સ્ટેડિયમમાં હાજર દર્શકો બેકહમને જોઈને ખુશ થઈ ગયા અને તેના નામની બૂમો પાડવા લાગ્યા હતા. વાનખેડે સ્ટેડિયમમાં 'બેકહમ-બેકહમ'ની ગૂંજ સંભળાવા લાગી હતી. ઇંગ્લેન્ડનો આ ભૂતપૂર્વ ફૂટબોલ કેપ્ટન હાલમાં અમેરિકન ફૂટબોલ ક્લબ ઇન્ટર મિયામીનો કો-ઓનર પણ છે. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી પણ આ ટીમ તરફથી રમે છે.    






બેકહમ સેમિફાઈનલ પહેલા મેદાન પર આવ્યો હતો. તે બંને ટીમના ખેલાડીઓને મળ્યો હતો. બેકહમને મળ્યા બાદ ઈશાન કિશન, મોહમ્મદ સિરાજ અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ ઘણા ખુશ દેખાતા હતા.


સચિને બેકહમને ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની મુલાકાત કરાવી હતી. વિરાટે બેકહમ સાથે હાથ મિલાવ્યા અને થોડીવાર તેની સાથે વાત કરી હતી.


અત્યાર સુધી ODI વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના નામે હતો, જે હવે તૂટી ગયો છે. ક્રિસ ગેલે ICC ODI વર્લ્ડકપમાં 49 સિક્સર ફટકારી હતી, પરંતુ આજે રોહિત શર્માએ પહેલા ગેઈલની બરાબરી કરી અને આ રેકોર્ડ તોડ્યા બાદ તે ODI વર્લ્ડકપમાં 50 થી વધુ સિક્સર મારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. જો આ ટોપ 2 વિશે વાત કરીએ તો ગ્લેન મેક્સવેલ ત્રીજા નંબર પર છે. તેણે ODI વર્લ્ડકપમાં 43 સિક્સર ફટકારી છે. તે પોતાની ટીમ માટે આ વર્ષનો વર્લ્ડકપ પણ રમી રહ્યો છે. તેની ટીમ ઓસ્ટ્રેલિયા પણ ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામે સેમિ ફાઇનલ રમશે, તે જોવાનું રસપ્રદ રહેશે કે તે ક્રિસ ગેલ અને પછી રોહિત શર્માને પછાડવામાં તે સફળ થાય છે કે કેમ.