IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઝારખંડના રાંચી ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારે બીજી ટી20 મેચ રમાઇ હતી. બીજી ટી20 મેચમાં ભારતની 7 વિકેટથી જીત થઈ. ન્યુઝીલેન્ડે ભારતને 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ભારતીય ટીમે 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ 55 અને કેએલ રાહુલે 65 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વેંકટેશ ઐયર અને ઋષભ પંત 12-12 રને અણનમ રહ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી કેપ્ટન ટિમ સાઉથીએ ત્રણ વિકેટ ઝડપી હતી. તેના સિવાય કોઈ બોલરને વિકેટ મળી ન હતી. મેચ જીતવાની સાથે જ ભારતીય ટીમે સીરિઝ પણ જીતી હતી. મેચમાં ઘણા ખેલાડીએ વિવિધ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.
રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સાથે રમાયેલી બીજી T20 મેચમાં અનોખો રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. આ રેકોર્ડ એમએસ ધોની અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ પણ પોતાને નામ કરી શક્યા નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હિટમેને સૌથી ઝડપી 450 સિક્સરનો રેકોર્ડ બનાવ્યો હતો. મેચ દરમિયાન રોહિતે ટ્રેન્ટ બોલ્ટ સામે પ્રથમ છગ્ગો ફટકારતાંની સાથે જ આ રેકોર્ડ બનાવ્યો હતો, રોહિતે તેની ઇનિંગમાં કુલ 5 છગ્ગા ફટકાર્યા હતા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ ખેલાડીએ મારી છે સૌથી વધુ સિક્સ
- ક્રિસ ગેલ - 553 સિક્સર (વેસ્ટ ઈન્ડીઝ)
- શાહિદ આફ્રિદી - 476 સિક્સર (પાકિસ્તાન)
- રોહિત શર્મા - 450 સિક્સર (ભારત)
- બ્રેન્ડન મેક્કુલમ - 398 સિક્સર (ન્યૂઝીલેન્ડ)
- માર્ટિન ગુપ્ટિલ - 363 સિક્સર (ન્યૂઝીલેન્ડ)
- એમએસ ધોની - 359 સિક્સર (ભારત)
કોહલીના આ રેકોર્ડની કરી બરાબરી
રોહિત શર્માએ 55 રન બનાવવાની સાથે કોહલીના એક રેકોર્ડની બરાબરી કરી હતી. તેણે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 29મી વખત 50 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો હતો. કોહલી પણ ટી20માં 29 વખત 50થી વધુનો સ્કોર બનાવી ચુક્યો છે. બાબર આઝમે 25 અને ડેવિડ વોર્નરે 22 વખત આ કારનામું કર્યુ છે.
13મી વખત આ લિસ્ટમાં થયો સામેલ
ટી20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્માએ 13મી વખત 100 કે તેથી વધુ રનની પાર્ટનરશિપ કરી હતી. બાબર આઝમ અને માર્ટિન ગપ્ટિલ 12-12 વખત તથા ડેવિડ વોર્નર 11 વખત આ કારનામું કરી ચુક્યાછે.
ગુપ્ટિલે તોડયો કોહલીનો રેકોર્ડ
મેચમાં પહેલા બેટિંગ કરતાંની સાથે જ માર્ટિન ગુપ્ટિલે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ બનાવી લીધો હતો. ગુપ્ટિલે પોતાના નામે 3248 રન નોંધાવ્યા છે અને એ ઝડપી ફોર્મેટમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બન્યો હતો. ગુપ્ટિલે 111 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે અને આ દરમિયાન તેણે 19 ફિફ્ટી પણ ફટકારી છે. આ લિસ્ટમાં હવે વિરાટ કોહલી બીજા ક્રમે ધકેલાઈ ગયો છે. ભારતનો ટી20 કેપ્ટન રોહિત શર્મા ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવામાં ત્રીજા ક્રમે છે.