ICC Cricket World Cup 2023: વર્લ્ડ કપ 2023 ની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થવા જઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. દુનિયાભરના કરોડો ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે. 2019 વર્લ્ડ કપમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી, આ વખતે ચાહકોને આશા છે કે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને હરાવીને તે હારનો બદલો લેશે.


છેલ્લા 20 વર્ષમાં ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે, પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકે છે. આના ઘણા કારણો છે. ચાલો અમે તમને 3 મુખ્ય કારણો વિશે જણાવીએ જેના આધારે અમે કહી શકીએ કે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકે છે.


ટીમ ઈન્ડિયાનું શાનદાર ફોર્મ


હાલમાં ટીમ ઈન્ડિયા એક અલગ જ ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયાએ વિશ્વ કપના લીગ તબક્કામાં તમામ નવ મેચ જીતી છે. ભારતે તમામ 9 ટીમોને હરાવી છે અને આ પહેલા એશિયા કપમાં પણ ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત મેળવી હતી. આ વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમોને 100 રન બનાવવાની તક આપી ન હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડે પણ આ વર્લ્ડ કપની શરૂઆતમાં શાનદાર ક્રિકેટ રમી હતી, પરંતુ તે પછી તેને સતત 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી હાલમાં ભારતનું ફોર્મ ન્યૂઝીલેન્ડ કરતા સારું છે.


ટીમ ઈન્ડિયાના ટોપ-5 બેટ્સમેન


આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ટોપ-5 બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર અને કેએલ રાહુલ. આ તમામ બેટ્સમેનોએ વર્લ્ડ કપમાં ઘણા રન બનાવ્યા છે. રોહિત શર્માએ 503 રન, શુભમન ગીલે 270 રન, વિરાટ કોહલીએ 594 રન (વર્લ્ડ કપમાં સૌથી વધુ), શ્રેયસ ઐય્યરે 421 રન અને કેએલ રાહુલે 347 રન બનાવ્યા છે. આ પાંચેય મળીને અત્યાર સુધીમાં 5 સદી અને 15 અડધી સદીની ઇનિંગ્સ રમી છે. આ આંકડા એ સાબિત કરવા માટે પૂરતા છે કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે.


ટીમ ઈન્ડિયાના ટોપ-5 બોલર


બેટિંગ હંમેશાથી ટીમ ઈન્ડિયાની તાકાત રહી છે, પરંતુ આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ જોઈને દુનિયાભરના ક્રિકેટ દિગ્ગજો માની રહ્યા છે કે આ વખતે ભારતની બોલિંગ દુનિયાનું સૌથી ખતરનાક બોલિંગ આક્રમણ છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા. આ પાંચ બોલરો એકલા હાથે કોઈપણ સમયે મેચનું પરિણામ બદલી શકે છે. આ વર્લ્ડ કપમાં જસપ્રીત બુમરાહે 17 વિકેટ, મોહમ્મદ શમીએ 16 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 16 વિકેટ, કુલદીપ યાદવે 14 અને મોહમ્મદ સિરાજે 12 વિકેટ ઝડપી છે. મતલબ કે ટીમ ઈન્ડિયાના આ પાંચ બોલરોએ મળીને અત્યાર સુધીમાં કુલ 75 વિકેટ ઝડપી છે. આ દર્શાવે છે કે આ સમયે ટીમ ઈન્ડિયા કોઈ એક બોલર પર નહીં પરંતુ તમામ બોલરો પર નિર્ભર છે અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો માટે તેનો સામનો કરવો આસાન નહીં હોય.