કોલકાતાઃ રોહિતની  ૫૬ રનની કેપ્ટન્સ ઈનિંગ બાદ અક્ષર પટેલે માત્ર ૯ રનમાં ત્રણ વિકેટ ઝડપતાં ભારતે ત્રીજી અને આખરી ટી-૨૦માં ૭૩ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું હતુ. આ સાથે ભારતે ત્રણ ટી-૨૦ની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડનો ૩-૦થી વ્હાઈટવોશ કર્યો હતો. શ્રેયસ અને વેંકટેશ ઐયરે ૩૬ રન જોડયા હતા. જે પછી અક્ષર પટેલે હર્ષલ પટેલ સાથે ૧૪ બોલમાં ૨૨ રનની અને દીપક ચાહર સાથે ૯ બોલમાં અણનમ ૨૨ રનની ભાગીદારી કરી હતી. અક્ષર બે રને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે હર્ષલ પટેલે ૧૧ બોલમાં ૧૮ અને દીપક ચાહરે ૮ બોલમાં અણનમ ૨૧ રન નોંધાવ્યા હતા.  દીપક ચાહરે આ દરમિયાન 95 મીટર લાંબી સિક્સ મારી હતી. તેની સિક્સ જોઈને રોહિત શર્માએ સેલ્યુટ કરી હતી.


દીપક ચાહરની સિક્સ જોઈ રોહિતે ઠોકી સલામ


19 ઓવર સુધી ઈન્ડિયન ટીમનો સ્કોર 165/7 હતો. તે સમયે કિવી કેપ્ટન સેન્ટનરે બોલિંગ કરવા માટે એડમ મિલ્નેની પસંદગી કરી હતી. તેની ઓવર દરમિયાન દીપક ચાહરે પહેલા 2 બોલમાં 2 ચોગ્ગા મારી તોફાની બેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. તેને આવી રીતે બેટિંગ કરતો જોઈને કોચિંગ સ્ટાફ સહિત ડ્રેસિંગ રૂમના ખેલાડીઓ પણ પ્રશંસા કરવા લાગ્યા હતા. મિલ્નેના ચોથા બોલ પર દીપક ચાહરે 95 મીટરની સિક્સ ફટકારી હતી. તેની આ સિક્સની સાથે છેલ્લી ઓવરમાં કરેલી બેટિંગને જોઈને કેપ્ટન રોહિત પણ ખુશ થઈ ગયો હતો. રોહિતે તાળિઓ પાડવાની સાથે સેલ્યૂટ કરી દીપકનો ઉત્સાહ વધાર્યો હતો. હિટમેનની કેપ્ટન તરીકે આ પ્રતિક્રિયા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.


હર્ષલ પટેલે પણ કરી તોફાની બેટિંગ


 હર્ષલ પટેલે પણ તોફાની બેટિંગ કરી હતી. તેણે 11 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની સહાયથી 18 રન કર્યા હતા. તેની બેટિંગે પણ ઈન્ડિયન ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી હતી.