ICC Cricket World Cup 2023: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે અને આ મોટી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ફરી એકવાર પોતાની ટીમને આક્રમક શરૂઆત અપાવી અને ત્યાર બાદ શુભમન ગીલે કમાન સંભાળી, પરંતુ સ્નાયુઓના ખેંચાણના કારણે તેણે રિટાયર્ડ હાર્ટ થવું પડ્યુ હતુ, ત્યાર બાદ વિરાટ કોહલીએ જવાબદારી લીધી છે..


વિરાટ કોહલીએ વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં રચ્યો ઇતિહાસ 
વિરાટ કોહલી આ આખા વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી સેમિ ફાઈનલ મેચમાં પણ વિરાટ કોહલીનું બેટ અટક્યું નથી. વિરાટે આ મોટી મેચમાં અડધી સદી પણ ફટકારી છે. આ અડધી સદી સાથે કોહલીના નામે અનેક રેકોર્ડ નોંધાયા છે. તેમાંથી એક રેકોર્ડ એ છે કે હવે વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ આ મામલે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. આ મામલે સચિન તેંદુલકરનું નામ સૌથી ઉપર છે. જાણો અહીં આ તમામ મહાન ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલી અડધી સદી ફટકારી છે.


આ લિસ્ટમાં પહેલું નામ સચિન તેંદુલકરનું છે, જેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 264 અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. આ યાદીમાં બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું નામ છે, જેમણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 217 અડધી સદી ફટકારી હતી. હવે વિરાટ કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 217 અડધી સદી ફટકારીને રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. આ યાદીમાં આગળનું નામ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાનું છે, જેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 216 અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. આ તમામ ખેલાડીઓ બાદ આ યાદીમાં છેલ્લું નામ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસનું છે, જેણે પોતાની કારકિર્દીમાં 211 અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.