T20 વર્લ્ડ કપ 2021માં ભારતને ખિતાબ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતું હતું. દરેકને આશા હતી કે વિરાટ કોહલીની ટીમ પાકિસ્તાનને હરાવીને તેમના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરશે. જો કે, ટીમ ઈન્ડિયાએ પ્રશંસકોની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું અને પાડોશી દેશ સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાન સામેની હારથી ભારતના ડ્રેસિંગ રૂમમાં ખળભળાટ મચી ગયો છે અને સેમીફાઈનલમાં પહોંચવાની દરેક લડાઈ હવે કરો યા મરો મેચ બની ગઈ છે.


31 ઓક્ટોબરની રાત્રે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરવાની છે અને જો ભારત કીવી ટીમ સામે ચુકી જાય તો અંતિમ ચારમાં જગ્યા બનાવવી ઘણી મુશ્કેલ બની જશે. આ જ કારણ છે કે કેપ્ટન વિરાટ કોહલી આ મહત્વની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવાના મૂડમાં દેખાઈ રહ્યો છે અને પ્રેક્ટિસ સેશનની તસવીરો જોતા તે પણ સંકેત મળી રહ્યો છે.


બીસીસીઆઈએ તેના ટ્વિટર હેન્ડલ પર ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તમામ ખેલાડીઓ ચારના ગ્રુપમાં કેચિંગ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. કોહલી, અશ્વિન, શાર્દુલ ઠાકુર અને વરુણ ચક્રવર્તી સાથે ગ્રુપમાં જોવા મળે છે. શાર્દુલ જે રીતે મેદાન પર પ્રેક્ટિસ કરતો જોવા મળે છે તે જોઈને કહી શકાય કે વિરાટ તેને ન્યૂઝીલેન્ડ સામેની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવા માટે પૂરા મૂડમાં જોવા મળી રહ્યો છે. અન્ય એક ફોટોમાં ઈશાન કિશન પણ ફિલ્ડિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. શાર્દુલનું તાજેતરનું ફોર્મ અસાધારણ રહ્યું છે અને તેણે IPLમાં ધોનીની આગેવાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.






ભુવનેશ્વર કુમાર પાકિસ્તાન સામે લયમાં જોવા મળ્યો ન હતો અને માનવામાં આવે છે કે તેની જગ્યાએ શાર્દુલને તક મળી શકે છે. પ્રેક્ટિસ સેશનમાંથી ટીમ ઈન્ડિયા માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફિટ દેખાઈ રહ્યો હતો અને તે લાંબા સમય બાદ બોલિંગ કરતો પણ જોવા મળ્યો હતો. જો કે, આઉટ ઓફ ફોર્મ હાર્દિક પર પણ તલવાર લટકી રહી છે, કારણ કે ઇશાને વોર્મ-અપ મેચોમાં જે રીતે પ્રદર્શન કર્યું હતું તેને ધ્યાનમાં રાખીને તેને વધુ સમય બેન્ચ પર રાખી શકાતો નથી.