IND vs NZ:  ન્યૂઝીલેન્ડ સામેની વન ડે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર ઈજાના કારણે બહાર થયો છે. તેના સ્થાને રજત પાટીદારનો સમાવેશ કરવામાં આવ્યો છે.






ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ


ત્રણ વનડે શ્રેણીની તમામ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે. આ તમામ મેચો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે અને લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+ હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, ડીડી ફ્રી ડીશના સબ્સ્ક્રાઇબર્સ ડીડી સ્પોર્ટ્સ પર મફતમાં મેચનો આનંદ લઈ શકે છે.


ભારત વિ ન્યુઝીલેન્ડ ઓડીઆઈ સીરીઝ શેડ્યૂલ



  • પ્રથમ વનડે 18 જાન્યુઆરીએ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

  • બીજી વનડે 21 જાન્યુઆરીએ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

  • ત્રીજી વનડે 24 જાન્યુઆરીએ ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.


ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પોતાના ઘરઆંગણે વનડેમાં ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતીય ટીમ અત્યારે જે પ્રકારે ફોર્મમાં છે તેને જોતા રોહિત બ્રિગેડ ન્યૂઝીલેન્ડને પણ હરાવે તેવી આશા રાખવામાં આવી રહી છે. જો કે, ન્યૂઝીલેન્ડની ટીમ પણ ફોર્મમાં છે અને તેણે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનને તેના ઘરઆંગણે વન-ડે શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું.


ડિસેમ્બર 1988માં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડે તેની ધરતી પર ભારત સામેની વન-ડે સીરિઝ રમી હતી. દિલીપ વેંગસરકરની આગેવાની હેઠળની ભારતીય ટીમે તે શ્રેણીની ચારેય મેચ જીતી હતી. આ પછી વર્ષ 1995માં મોહમ્મદ અઝહરુદ્દીનની કેપ્ટનશીપમાં ભારતે પાંચ મેચોની શ્રેણી 3-2થી જીતી હતી. ચાર વર્ષ પછી 1999માં સચિન તેંડુલકરની કેપ્ટનશીપમાં ભારતે કિવિઓને 3-2ના માર્જિનથી હરાવ્યું હતા.


ભારતનું વર્ચસ્વ 34 વર્ષથી જળવાઈ રહ્યું છે


આ પછી ન્યૂઝીલેન્ડ લાંબા સમય બાદ વર્ષ 2010માં વનડે શ્રેણી માટે ભારત આવ્યું હતું. તે પાંચ મેચની શ્રેણીમાં ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડનો સફાયો કર્યો હતો. ત્યારપછી વર્ષ 2016માં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં અને 2017માં પણ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતે ન્યૂઝીલેન્ડને તેના ઘરે વન-ડે શ્રેણીમાં હરાવ્યું હતું. એટલે કે, અત્યાર સુધી ભારતે ન્યૂઝીલેન્ડ સામે તેના ઘરઆંગણે છ વનડે શ્રેણી રમી છે અને તે તમામ જીતી છે. એટલે કે 34 વર્ષ વીતી ગયા પરંતુ ન્યૂઝીલેન્ડ હજુ સુધી ભારતમાં વનડે શ્રેણી જીતી શક્યું નથી.


બંને દેશો વચ્ચે 113 વન-ડે મેચ રમાઈ છે


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 113 વનડે રમાઈ છે, જેમાં ભારતે 55 અને ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે. સાત મેચનું પરિણામ આવ્યું ન હતું અને એક મેચ ટાઈ પર રહી હતી. બંને ટીમોની છેલ્લી વન-ડે શ્રેણી થોડા મહિના પહેલા રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે ભારતને તેના ઘરઆંગણે 1-0થી હરાવ્યું હતું. તે વન-ડે સીરિઝનું T20 વર્લ્ડ કપ 2022 બાદ કરવામાં આવ્યું હતું અને શિખર ધવને ODIમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.