IND vs PAK Asia Cup 2022: ભારતે પાકિસ્તાનને એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં હરાવ્યું છે. હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરમાં વિનિંગ સિક્સર ફટકારીને ભારતને શાનદાર જીત અપાવી હતી.
વિરાટ અને જાડેજાની શાનદાર બેટિંગઃ
ભારત માટે ઓપનિંગ કરવા આવેલા કેએલ રાહુલે પ્રથમ ઓવરમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ રોહિત શર્મા અને વિરાટો કોહલીએ ટીમની બાજી સંભાળી હતી. રોહિત શર્માએ 12 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતાં કુલ 35 રન બનાવ્યા હતા જેમાં કોહલીએ 34 બોલમાં 1 સિક્સર અને 3 ચોક્કા ફટકાર્યા હતા. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા અને સુર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યા હતા.
સુર્યકુમાર યાદવે 18 બોલમાં 18 રન બનાવીને નસીમ શાહના બોલ પર બોલ્ડ થયો હતો. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ 29 બોલમાં 35 રન બનાવીને ટીમ ઈન્ડિયાની જીતમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 33 રન બનાવીને ભારતને જીત અપાવી હતી. હાર્દિક 17 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારીને અણનમ રહ્યો હતો.
પાકિસ્તાન તરફથી મોહમ્મદ નવાઝ અને નસીમ શાહે શાનદાર બોલિંગ કરી હતી. મો. નવાઝે 3 વિકેટ અને નસીમ શાહે 2 વિકેટ ઝડપી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી ટીમ ઈન્ડિયાએ શુભેચ્છા આપીઃ
ભારતની પાકિસ્તાન સામેની આ શાનદાર જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ લખ્યું કે, "ટીમ ઈન્ડિયાએ એશિયા કપની આજની મેચમાં ઓલ-રાઉન્ડ પ્રદર્શન કરીને શાનદાર જીત મેળવી છે. આ જીત બદલ ટીમને અભિનંદન"
પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને ભારતને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનની ટીમ 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 43 રન બનાવ્યા હતા. જોકે, તે ખૂબ જ ધીમી બેટિંગ કરતો જોવા મળ્યો. તે જ સમયે ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાએ અદ્ભુત બોલિંગ કરી હતી. હાર્દિકે તેની ચાર ઓવરમાં માત્ર 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારને કુલ 4 વિકેટ ઝડપીને પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું, ભુવનેશ્વરે 19મી ઓવરમાં 2 બોલમાં 2 વિકેટ ઝડપી હતી.