Asia Cup 2022: એશિયા કપ 2022ની સુપર 4 ટીમોની મેચ શરુ થઈ ગઈ છે. આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાઈ રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીત્યો હતો અને પ્રથમ ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું. જો કે, ટોસનું પરીણામ આવે તે પહેલાં ટોસ દરમિયાન હાજર ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ એક મોટી ભુલ કરી હતી. રવિ શાસ્ત્રીએ કરેલી આ ભૂલનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


રવિ શાસ્ત્રીએ શું ભૂલ કરી?






ટોસ કરવા માટે રોહિત શર્મા અને બાબર આઝમ મેદાન પર આવ્યા હતા. રવિ શાસ્ત્રી આ દરમિયાન એન્કરિંગ કરી રહ્યા હતા અને તેમણે રોહિત શર્માને ટોસ ઉછાળવા કહ્યું હતું. ટોસ ઉછળ્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 'ટેઈલ' (Tail) પસંદ કર્યું હતું અને માઈકમાં ટેઈલ એમ પણ બોલ્યો હતો. જો કે, રવિ શાસ્ત્રીએ ભૂલથી કહ્યું કે, બાબરે 'હેડ' (Head) પસંદ કર્યો છે. આ પછી ટોસનું પરીણામ બાબરના પક્ષમાં 'ટેઈલ' જ આવ્યું હતું અને પાકિસ્તાને ટોસ જીતી લીધો હતો. આમ રવિ શાસ્ત્રીએ પહેલાં જ ભારતના પક્ષમાં ભૂલથી ટોસ જીતાડતું નિવેદન આપી દીધું હતું. રવિ શાસ્ત્રીની આ ભૂલનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 






બંને ટીમોની પ્લેઈંગ 11ઃ


ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, રવિ બિશ્નોઈ, દીપક હુડા, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ


પાકિસ્તાનની પ્લેઈંગ 11: મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, ફખર ઝમાન, ઈફ્તિકાર અહેમદ, ખુશદીલ શાહ, શાબાદ ખાન, અસિફ અલી, મોહમ્મદ નવાઝ, હરિશ રૌફ, મોહમ્મદ હસનૈન, નસિમ શાહ