Asia Cup 2022:  એશિયા કપ 2022 સુપર-4 રાઉન્ડની મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 181 રન ફટકાર્યા હતા. આ રીતે પાકિસ્તાનને મેચ જીતવા માટે 20 ઓવરમાં 182 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પાકિસ્તાને 19.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. પાકિસ્તાન માટે વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને 51 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી.






'પાકિસ્તાનની ટીમ અમારા કરતા સારું ક્રિકેટ રમી'


આ મેચ પછી ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે આ બંને ટીમો માટે દબાણની મેચ હતી. મોહમ્મદ રિઝવાન અને મોહમ્મદ નવાઝે શાનદાર બેટિંગ કરી હતી. આ પાર્ટનરશીપે મેચનું પાસુ પલટી દીધું હતું. ભારતીય કેપ્ટને કહ્યું હતું કે બીજી ઈનિંગમાં બેટિંગ કરવી સરળ બની ગઈ હતી, પરંતુ અમારા માટે અમારી ભૂલોમાંથી શીખવાની આ શાનદાર તક છે. રોહિત શર્માએ વધુમાં કહ્યું કે પહેલા મને લાગ્યું કે આ સારો સ્કોર છે, પરંતુ તેનો શ્રેય પાકિસ્તાનને જાય છે. પાકિસ્તાનની ટીમ અમારા કરતા સારું ક્રિકેટ રમી છે. તેમજ ભારતીય કેપ્ટને વિરાટ કોહલીના વખાણ કર્યા હતા.  રોહિત શર્માએ કહ્યું હતું કે વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી, પરંતુ હાર્દિક પંડ્યા અને ઋષભ પંતની વિકેટ ખોટા સમયે પડી હતી.


મોહમ્મદ નવાઝની બેટિંગે મેચનું પરિણામ બદલ્યુ


મોહમ્મદ રિઝવાન સિવાય મોહમ્મદ નવાઝે 20 બોલમાં 42 રનની તોફાની ઇનિંગ રમીને મેચનું પરિણામ બદલ્યું હતું. મોહમ્મદ નવાઝે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ખુશદિલ શાહ 11 બોલમાં 14 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે ઈફ્તિકાર અહેમદ 2 રન બનાવીને અણનમ રહ્યો હતો. આસિફ અલીએ 8 બોલમાં 16 રન બનાવ્યા હતા. જ્યારે ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલને 1-1 સફળતા મળી હતી. હવે મંગળવારે એશિયા કપ 2022ના સુપર-4 રાઉન્ડમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે.