IND vs PAK, World Cup 2023 : વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાન સામે સતત 8મી જીત, 7 વિકેટથી આપી હાર

આજે આઇસીસી વનડે વર્લ્ડકપની 12મી મેચ બે કટ્ટર હરિફ ટીમો વચ્ચે રમાઇ રહી છે, આજે વર્લ્ડકપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 14 Oct 2023 08:10 PM
ભારતની શાનદાર જીત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ઈતિહાસમાં પાકિસ્તાન સામે જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની આ 8મી જીત છે.  

રોહિત શર્મા 86 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો 

ટીમ ઈન્ડિયાએ 22મી ઓવરમાં 156ના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા માત્ર 63 બોલમાં 86 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા  હતા. 23 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટે 161 રન છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ODI વર્લ્ડ કપ 2023માં અમદાવાદમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન 300 ODI સિક્સર મારનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. સિક્સર ફટકારવામાં રોહિત શર્માએ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.  


રોહિત શર્માની અડધી સદી

રોહિત શર્માએ પાકિસ્તાન સામે પોતાની અડધી સદી પૂરી કરી હતી.  રોહિત શર્મા અને શ્રેયસ બંને હાલ મેદાનમાં છે.  

રોહિત શર્માએ અડધી સદી ફટકારી, ભારતનો સ્કોર 100ને પાર થયો

રોહિત શર્માએ માત્ર 36 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા છે. 14 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 2 વિકેટે 101 રન છે.

હસન અલીએ કોહલીને આઉટ કર્યો

ભારતને બીજો ઝટકો વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો છે. તે 16 રન બનાવીને આઉટ થયો હતો. હસન અલીએ તેને 10મી ઓવરના પાંચમા બોલ પર મોહમ્મદ નવાઝના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કોહલીએ 18 બોલનો સામનો કર્યો હતો.

ભારતનો સ્કોર 50 રનને પાર 

ભારતનો સ્કોર એક વિકેટના નુકસાન સાથે 50 રનને પાર કરી ગયો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ક્રિઝ પર છે. બંને સારી બેટિંગ કરી રહ્યા છે.  રોહિત શર્મા 31 રન બનાવી રમતમાં છે. 

પાકિસ્તાનને પ્રથમ સફળતા મળી

શાહીન આફ્રિદીએ પાકિસ્તાનને પ્રથમ સફળતા અપાવી. તેણે ત્રીજી ઓવરના પાંચમા બોલ પર શુભમન ગિલને આઉટ કર્યો. ગિલ 11 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. 

રોહિત-શુભમન ગિલ ક્રિઝ પર  

પાકિસ્તાન સામે ભારતની ઇનિંગ શરૂ થઈ ગઈ છે. શુભમન ગિલ કેપ્ટન રોહિત શર્મા સાથે ક્રિઝ પર છે. રોહિતે શાહીન આફ્રિદીની પ્રથમ ઓવરમાં પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.   ભારતે 2 ઓવરમાં કોઈપણ નુકશાન વિના  22 રન બનાવ્યા છે. 

ભારતીય ટીમને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ

અમદાવાદમાં રમાઈ રહેલી ભારત-પાક મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી પાકિસ્તાનની ટીમને 191 રનમાં ઓલઆઉટ કર્યું છે. ભારતીય ટીમને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન બાબર આઝમે 50 રન બનાવ્યા હતા, જ્યારે રિઝવાને 49 રનની ઈનિંગ રમી હતી. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, હાર્દિક પંડ્યા, કુલદિપ યાદવ, રવિંદ્ર જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી. 

ભારતને છઠ્ઠી સફળતા 

જસપ્રીત બુમરાહે આ મેચમાં ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. કુલદીપે 33મી ઓવરમાં બે વિકેટ લીધા બાદ બુમરાહે બીજી જ ઓવરમાં ટીમ ઈન્ડિયાને મોટી સફળતા અપાવી હતી. તેણે 34મી ઓવરના છેલ્લા બોલ પર મોહમ્મદ રિઝવાનને ક્લીન બૉલ્ડ કર્યો હતો. રિઝવાન અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. તે 69 બૉલમાં 49 રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાને 34 ઓવરમાં છ વિકેટે 168 રન બનાવ્યા છે.

કુલદીપને બીજી સફળતા 

સઈદ શકીલને આઉટ કર્યા બાદ કુલદીપ યાદવે ઈફ્તિખાર અહેમદને પણ પેવેલિયન મોકલ્યો હતો. ઈફ્તિખાર ચાર બૉલમાં ચાર રન બનાવીને ક્લીન બૉલ્ડ થયો હતો. કુલદીપને મેચમાં બીજી સફળતા મળી હતી.

કુલદીપને પ્રથમ સફળતા 

આ મેચમાં કુલદીપ યાદવને પ્રથમ સફળતા મળી હતી. તેણે 33મી ઓવરના બીજા બોલ પર ડાબા હાથના બેટ્સમેન સઈદ શકીલને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. કુલદીપનો બૉલ શકીલના પેડ પર વાગ્યો. ભારતીય ખેલાડીઓએ જોરદાર અપીલ કરી હતી, પરંતુ અમ્પાયરે તેને નૉટઆઉટ જાહેર કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ કુલદીપ અને વિકેટકીપર કેએલ રાહુલની સલાહ લીધા બાદ રિવ્યૂ લીધો હતો. રિવ્યૂમાં સ્પષ્ટપણે દેખાઈ આવ્યું હતું કે કુલદીપનો બોલ સ્ટમ્પને અનુરૂપ હતો. સઈદ શકીલ બહાર છે. તે 10 બોલમાં માત્ર છ રન બનાવી શક્યો હતો.

ભારતને મોટી સફળતા, કેપ્ટન બાબર આઝમ આઉટ 

મોહમ્મદ સિરાજે પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો આપ્યો હતો. તેણે 30 ઓવરના ચોથા બૉલ પર પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને ક્લીન બૉલ્ડ કર્યો હતો. તે 58 બૉલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા. બાબરે રિઝવાન સાથે ચોથી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાને 30 ઓવરમાં ત્રણ વિકેટે 156 રન બનાવ્યા છે. મોહમ્મદ રિઝવાન 47 અને સઈદ શકીલ એક રન સાથે અણનમ છે.

બાબર આઝમની ફિફ્ટી 

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. બાબરે ભારત વિરૂદ્ધ વનડેમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. પાકિસ્તાને પણ પોતાના 150 રન પૂરા કરી લીધા છે. તેમની પાસે 29 ઓવરમાં બે વિકેટે 150 રન છે. બાબર 50 અને મોહમ્મદ રિઝવાન 43 રન બનાવીને અણનમ છે.

કેપ્ટન બાબર આઝમ બચ્યો

પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 25મી ઓવરમાં આઉટ થવાથી બચી ગયો હતો. કુલદીપનો ત્રીજો બોલ તેના પેડ પર વાગ્યો. ભારતીય ખેલાડીઓએ જોરદાર અપીલ કરી, પરંતુ અમ્પાયરે આઉટ જાહેર ના કર્યો. રોહિત શર્માએ રિવ્યૂ લીધો હતો. કુલદીપનો બૉલ વિકેટ કરતાં હળવો લાગતો હતો, પરંતુ તેનો મોટાભાગનો બૉલ સ્ટમ્પની બહાર જતો હતો. આવી સ્થિતિમાં ભારતને અમ્પાયરના કોલના કારણની રિવ્યૂનો લાભ મળ્યો ના હતો. બાબર સહેજ માટે બચી ગયો. તેણે મોહમ્મદ રિઝવાન સાથે ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી છે.

ત્રીજી વિકેટની તલાશમાં ભારત 

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને વાઇસ કેપ્ટન મોહમ્મદ રિઝવાને ત્રીજી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. આ બંનેએ પાકિસ્તાની ઇનિંગ્સની કમાન સંભાળી હતી. ભારત ત્રીજી વિકેટની શોધમાં છે. પાકિસ્તાને 22 ઓવરમાં બે વિકેટે 114 રન બનાવ્યા છે. બાબર 32 અને રિઝવાન 25 રન બનાવીને અણનમ છે.

18 ઓવર બાદ પાકિસ્તાન 

પાકિસ્તાનનો સ્કૉર 18 ઓવરમાં બે વિકેટે 96 રન છે. બાબર આઝમ 25 અને મોહમ્મદ રિઝવાન 14 રન બનાવીને અણનમ છે. બંનેએ ત્રીજી વિકેટ માટે 23 રનની ભાગીદારી કરી છે.

15 ઓવર બાદ પાકિસ્તાન 

15મી ઓવરમાં માત્ર ચાર રન જ આવ્યા હતા. હાર્દિક પંડ્યાએ પ્રથમ પાંચ બૉલમાં રિઝવાનને ડૉટ બનાવ્યો હતો, જોકે છેલ્લા બૉલ પર રિઝવાને ચોગ્ગો ફટકાર્યો હતો. 15 ઓવર પછી પાકિસ્તાનનો સ્કૉર 2 વિકેટે 79 રન છે.

રિવ્યૂએ બચાવ્યો રિઝવાનને 

મોહમ્મદ રિઝવાન 14મી ઓવરમાં આઉટ થવાથી બચી ગયો હતો. રવિન્દ્ર જાડેજાનો બીજો બૉલ સીધો તેના પેડ પર ગયો હતો. અમ્પાયરે રિઝવાનને આઉટ જાહેર કર્યો હતો. આના પર તેણે કેપ્ટન બાબર આઝમની સલાહ પર રિવ્યૂ લીધો. રિવ્યૂમાં જાડેજાનો બૉલ લેગ સ્ટમ્પની બહાર જતો જોવા મળ્યો હતો, આ કારણે રિઝવાન બચી ગયો હતો. પાકિસ્તાનના 14 ઓવરમાં બે વિકેટે 75 રન છે. બાબર આઝમ 16 રને અને મોહમ્મદ રિઝવાન બે રને ક્રિઝ પર છે.

ભારતને મોટી સફળતા 

હાર્દિક પંડ્યાએ મેચમાં ભારતને બીજી સફળતા અપાવી હતી. તેણે 13મી ઓવરના ત્રીજા બૉલ પર પાકિસ્તાની ઓપનર ઈમામ હકને આઉટ કર્યો હતો. ઈમામ 38 બૉલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. તે હાર્દિકના આઉટગોઇંગ બૉલ પર પેવેલિયન પરત ફર્યો હતો. તેનો કેચ વિકેટકીપર કેએલ રાહુલે લીધો હતો.

10 ઓવર પુરી, પાકિસ્તાન 49 રન

પાકિસ્તાનની ઈનિંગની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. તેણે એક વિકેટ પર 49 રન બનાવ્યા છે. અબ્દુલ્લા શફીક આઉટ થયા બાદ કેપ્ટન બાબર આઝમ ક્રિઝ પર ઈમામ ઉલ હકની સાથે છે. ઈમામ 23 રન અને બાબર 5 રન બનાવીને અણનમ છે.

ભારતને પ્રથમ સફળતા, સિરાજે શફીકને આઉટ કર્યો

મોહમ્મદ સિરાજે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે ઇનિંગ્સની આઠમી ઓવરના છેલ્લા બોલ પર અબ્દુલ્લા શફીકને આઉટ કર્યો હતો. શફીક તેનો બૉલ લેગ સાઇડ પર રમવા માંગતો હતો, પરંતુ તે ચૂકી ગયો. બૉલ સીધો તેના પેડ પર ગયો. શફીકનો પગ સ્ટમ્પની સામે હતો. સિરાજની અપીલ પર અમ્પાયરે શફીકને આઉટ જાહેર કર્યો હતો. તે 24 બૉલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. શફીકે ઇમામ ઉલ હક સાથે મળીને પ્રથમ વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. શફીકના આઉટ થયા બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ક્રિઝ પર આવ્યો છે. પાકિસ્તાનનો સ્કૉર આઠ ઓવરમાં એક વિકેટે 41 રન છે.

નથી મળી રહી વિકેટ 

પાકિસ્તાને 6 ઓવર બાદ કોઈપણ નુકશાન વિના 28 રન બનાવ્યા હતા. ઈમામ ઉલ હક 18 બૉલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે. અબ્દુલ્લા શફીક 13 રન બનાવીને રમી રહ્યો છે. ભારતીય બૉલરો વિકેટની શોધમાં છે.

4 ઓવર બાદ પાકિસ્તાન 23/0

પાકિસ્તાનના ઓપનર ઈમામ ઉલ હક અને અબ્દુલ્લા શફીકે ભારત સામે મજબૂત શરૂઆત કરી છે. બંને ભારતીય બૉલરોનો આરામથી સામનો કરી રહ્યા છે. પાકિસ્તાને ચાર ઓવરમાં કોઈ નુકશાન વિના 23 રન બનાવી લીધા છે. ઈમામ ઉલ હક 13 અને અબ્દુલ્લા શફીક 10 રન બનાવીને અણનમ છે.


 

પાકિસ્તાનની મજબૂત શરૂઆત

પાકિસ્તાને ભારત સામે મજબૂત શરૂઆત કરી છે. 2 ઓવરમાં વિના વિકેટે 16 રન બનાવી લીધા છે. તમામ રન ચોગ્ગાથી આવ્યા છે. ઈમામ ઉલ હક 12 રન અને અબ્દુલ્લા શફીક ચાર રન સાથે રમી રહ્યા છે. ઈમામે મોહમ્મદ સિરાજની ઓવરમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

મેચ શરૂ, પાકિસ્તાની ઓપનર ક્રિઝ પર 

ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ વર્લ્ડકપ મેચ શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાની ટીમે બેટિંગ માટે મેદાનમાં આવી ગઇ છે. ભારતીય ખેલાડીઓ બૉલિંગ માટે મેદાનમાં ઉતર્યા છે. પાકિસ્તાનના ઓપનર ઈમામ ઉલ હક અને અબ્દુલ્લા શફીક બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે.

ભારતની પ્લેઇંગ ઇલેવન 

શુભમન ગીલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન 

અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ.

ટૉસ જીતનાર ટીમોનો રેકોર્ડ

અમદાવાદમાં છેલ્લી પાંચ વન-ડેમાં, પ્રથમ બેટિંગ કરનાર ટીમોએ બેમાં જીત મેળવી છે અને પાછળથી બેટિંગ કરનારી ટીમોએ ત્રણ મેચ જીતી છે. આ વર્લ્ડકપમાં અહીં એક મેચ રમાઈ છે, જેમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ સામે પીછો કરીને મેચ જીતી હતી.

રોહિત શર્માએ ટૉસ જીત્યો 

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો છે. તેણે પાકિસ્તાન સામે પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિત શર્માએ કહ્યું કે આ મેચમાં શુભમન ગીલની વાપસી થઈ છે. ઇશાન કિશનને બહાર બેસવું પડ્યું. બાબરે કહ્યું કે તે પણ પહેલા બૉલિંગ કરવા માંગતો હતો.

ભારતે ટૉસ જીત્યો, પહેલા કરશે બૉલિંગ

અમદાવાદમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023ની હાઇ વૉલ્ટેજ મેચ રમાનારી છે, આ મેચ પહેલા ટૉસ થયો, જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, અને પાકિસ્તાનની ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. 


 

બપોર શરૂ થશે મેચ

મેચ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ પહેલા ભારતના ત્રણ લોકપ્રિય ગાયકો પરફોર્મ કરશે. બીસીસીઆઈએ અરિજીત સિંહ, સુખવિંદર સિંહ અને શંકર મહાદેવનને આમંત્રણ આપ્યું છે.

ભારત વિરૂદ્ધ પાકિસ્તાન, હેડ ટૂ હેડ રેકોર્ડ

ODI - 134 મેચ, ભારત 56 જીત્યું, પાકિસ્તાન 73 જીત્યું. 5 અનિર્ણિત
T20 ઇન્ટરનેશનલ - કુલ 12 મેચ, ભારત 9 જીત્યું, પાકિસ્તાન 3 જીત્યું
ટેસ્ટ - ભારતે 9 અને પાકિસ્તાન 12 જીત્યા, કુલ 59 મેચ રમાઈ.

અત્યાર સુધી કોણે કેટલી મેચો જીતી છે ?

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 134 વનડે મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 56 મેચ જીતી છે. જો ટેસ્ટની વાત કરીએ તો ભારતે 59માંથી 9 મેચ જીતી છે. પાકિસ્તાને 12 મેચ જીતી છે.

VIP મુવમેન્ટ શરૂ, ચાર્ટર્ડ પ્લેનથી આવી રહ્યાં છે ફેન્સ

અમદાવાદમાં વર્લ્ડકપ મેચને લઈને vip મુવમેન્ટ શરૂ થઇ ગઇ છે. એરપોર્ટ જનરલ એવીએશન પર વીઆઈપી મુવમેન્ટ શરૂ થઇ છે. એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન આવવાના થયા શરૂ ગયા છે. ચાર્ટર્ડ પ્લેનમાં આવી રહ્યા છે કેટલાય vip મહેમાનો. બપોરે 1:00 વાગ્યા સુધી જનરલ એવીએશન પર ચાર્ટર્ડ પ્લેનની અવરજવર રહેશે. આકાશ અંબાણી, લક્ષ્મી મિત્તલ સહિતના બીઝનેસમેનો પણ અમદાવાદ આવશે. કેટલીક કંપનીઓના વીઆઈપી મહેમાનો પણ ચાર્ટર્ડ પ્લેનથી અમદાવાદ આવી રહ્યા છે.

રાજકોટમાં પણ ફેન્સમાં ઉત્સાહ 

અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનો ઉત્સાહ રાજકોટમાં પણ છવાયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રે અત્યાર સુધીમાં અનેક ક્રિકેટરો આપ્યા છે. સૌરાષ્ટ્રે ક્રિકેટરોની ભૂમિ કહેવામાં આવે છે. રાજકોટના માધવરાય સ્ટેડિયમમાં યુવા ક્રિકેટરોમાં આ મેચને લઇને જબરદસ્ત ઉત્સાહ છવાયો છે. જીતેગા ભાઈ જીતેગા ભારત જીતેગાના નારા પણ લાગી રહ્યાં છે. કેટલાય યુવાઓ હાથમાં તિરંગો લઇને ક્રિકેટરોમા ઉત્સાહ વધારી રહ્યાં છે.

સુરતમાં ક્રિકેટ ફિવર, યુવાઓ, મહિલાઓમાં પણ જોશ
સુરતમાં ક્રિકેટ ફિવર છવાયો છે, આજે ભારત અને પાકિસ્તાન મેચને લઇને મહિલા અને યુવાઓમાં ભારે ઉત્સાહ છે. આજે મેચ જોવાનું યુવાઓનું આયોજન છે. અમદાવાદ મેચ જોવા જવાના હતા પણ ટિકિટ મળી નથી એવા ફેન્સ અહીં મેચનો આનંદ લેશે. મેચને લઇને યુવાઓ કહી રહ્યાં છે, આજે વિરાટ કોહલી સદી મારશે, તો કોઇ કહે છે બુમરાહ બૂમ બૂમ કરશે, શુભમન ગીલ હીરો રહેશે. સૌથી પહેલા તો ભારતીય ટીમ વિજેતા બનશે.
સુરતમાં યુવાઓમાં ટેટૂ છવાયું

સુરતમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઇને જબરદસ્ત ઉત્સાહભર્યો માહોલ છવાયો છે. યુવાવર્ગમાં અનેરો ઉત્સાહ છે. ચહેરા ઉપર ટેટૂ ચિતરાવીને ચીયરઅપ કરી રહ્યાં છે. તિરંગો, વર્લ્ડકપ સહિતના ટેટૂ ચહેરા પર અકિત કરાવી રહ્યાં છે. આર્ટિસ્ટ દ્વારા આજના દિવસે ફ્રી ઓફ કૉસ્ટ ડ્રૉ આઉટ કરી રહ્યાં છે

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન 

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન/શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી/રવિચંદ્રન અશ્વિન.

પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન

અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ.

પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન

અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ.

કઇ ચેનલ પરથી જોઇ શકાશે લાઇવ મેચ

ભારત અને પાકિસ્તાન મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. સ્ટાર સ્પૉર્ટ્સ ચેનલો પર ચાહકો વિવિધ ભાષાઓમાં મેચની મજા માણી શકે છે. ડીડી ફ્રી ડીશનો ઉપયોગ કરતા દર્શકો ડીડી સ્પોર્ટ્સ પર મેચ ફ્રીમાં જોઈ શકશે.

બન્ને ટીમોનું શાનદાર ફોર્મ 

વનડે વર્લ્ડકપની વર્તમાન એડિશનમાં  બંને ટીમોનું ફોર્મ શાનદાર રહ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે જીત મેળવી છે. વળી, પાકિસ્તાને નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું હતું. હવે રોહિત શર્મા અને બાબર આઝમની નજર જીતની હેટ્રિક ફટકારવા પર હશે.

અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનનો રેકોર્ડ

અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે. બંને ટીમો અહીં એક-બીજા સામે એક ટેસ્ટ, એક વનડે અને એક ટી20 રમી છે. 1987માં ટેસ્ટમાં ડ્રૉ થયો હતો. 2005માં ભારતીય ટીમની ODIમાં હાર થઈ હતી અને 2012માં T20માં ભારતે 11 રને જીત મેળવી હતી.

ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

આજે આઇસીસી વનડે વર્લ્ડકપની 12મી મેચ બે કટ્ટર હરિફ ટીમો વચ્ચે રમાઇ રહી છે, આજે ભારત અને પાકિસ્તાની ટીમો વચ્ચે આમને સામને ટક્કર ક્રિકેટના મેદાનમાં થવાન છે. એકબાજુ રોહિતની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા વનડે વર્લ્ડકપમાં પાકિસ્તાન પર સતત પોતાની આઠમી જીત પર નજર જમાવીને બેઠી છે, તો બીજીબાજુ પાકિસ્તાનની બાબર સેના વનડે વર્લ્ડકપમાં ભારત સામે પોતાની પ્રથમ જીતની રાહ જોઇ રહ્યું છે. આજે વર્લ્ડકપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 

18 વર્ષ બાદ ભારત-પાકિસ્તાનની ટક્કર

વર્લ્ડકપની 12મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ શનિવારે (15 ઓક્ટોબર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ 18 વર્ષ બાદ અમદાવાદમાં પાકિસ્તાન સામે વનડે મેચ રમશે. છેલ્લી વખત 2005માં બંને ટીમો અહીં સામસામે આવી હતી ત્યારે પાકિસ્તાન ત્રણ વિકેટથી જીત્યું હતું. ભારતીય ટીમ પણ તે હારનો બદલો લેવા માંગશે.

ભારતની નજર આઠમી જીત પર

ભારતીય ટીમ વનડે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે એક પણ મેચ હારી નથી. ટીમ ઈન્ડિયાએ 1992, 1996, 1999, 2003, 2011, 2015 અને 2019માં પાકિસ્તાનને હરાવ્યું છે. ભારતીય ટીમ આ જીતનો સિલસિલો જારી રાખવા માંગશે.

બ્રેકગ્રાઉન્ડ

ODI World Cup 2023, IND Vs PAK: આજે આઇસીસી વનડે વર્લ્ડકપની 12મી મેચ બે કટ્ટર હરિફ ટીમો વચ્ચે રમાઇ રહી છે, આજે ભારત અને પાકિસ્તાની ટીમો વચ્ચે આમને સામને ટક્કર ક્રિકેટના મેદાનમાં થવાન છે. એકબાજુ રોહિતની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા વનડે વર્લ્ડકપમાં પાકિસ્તાન પર સતત પોતાની આઠમી જીત પર નજર જમાવીને બેઠી છે, તો બીજીબાજુ પાકિસ્તાનની બાબર સેના વનડે વર્લ્ડકપમાં ભારત સામે પોતાની પ્રથમ જીતની રાહ જોઇ રહ્યું છે. આજે વર્લ્ડકપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.