IND vs PAK World Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી 14મી ઓક્ટોબરે હાઇ વૉલ્ટેજ મેચ રમાશે, આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા ડ્રેસિંગ રૂમમાંથી કેટલીક વાતો સામે આવી રહી છે. પાકિસ્તાનના વાઇસ કેપ્ટન અને લેગ સ્પિનર શાદાબ ખાને ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર પ્રતિક્રિયા આપી છે. શાદાબનું કહેવું છે કે રોહિત સામે બૉલિંગ કરવી સૌથી મુશ્કેલ રહેશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડકપ 2023 માટે ભારત આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમદાવાદમાં 14 ઓક્ટોબરે તેનું આયોજન કરવામાં આવશે.
ઈન્ડિયા ટૂડેના સમાચાર અનુસાર, શાદાબ ખાને કહ્યું, “હું રોહિત શર્માની પ્રશંસા કરવા માંગુ છું. વિશ્વના તમામ બેટ્સમેનોની યાદીમાં તેની સામે બૉલિંગ કરવી સૌથી મુશ્કેલ છે. જ્યારે તે સેટ થઇ જાય છે, ત્યારે તેઓ સૌથી ખતરનાક બની જાય છે.
શાદાબે કહ્યું, “એશિયા કપ સારો રહ્યો ના હતો, પરંતુ આ ક્રિકેટની સુંદરતા છે જે તમે ભૂલોમાંથી શીખતા રહો છો. એશિયા કપમાં હાર બાદ અમે આરામ કર્યો છે. મને લાગે છે કે વર્લ્ડકપમાં તમારે માનસિક અને કુશળતાથી તૈયાર રહેવું પડશે. જ્યારે તમે આરામ કરો છો, ત્યારે તમે નિર્ણયો સારી રીતે લઈ શકો છો.'' શાદાબ ખાન વિશે વાત કરીએ તો, તેણે 64 વનડે મેચોમાં 734 રન બનાવ્યા છે. આ દરમિયાન 4 અડધી સદી ફટકારી છે. તેણે 83 વિકેટો લીધી છે. શાદાબનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે.
નોંધનીય છે કે, એશિયન કપ 2023માં ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમોની પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર આ બંને ટીમો મેદાનમાં સામસામે ટકરાશે. વર્લ્ડકપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે. આ મેચ અમદાવાદમાં યોજાશે. આ મેચની ટિકિટને લઈને ચાહકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ જોવા માટે દુનિયાભરમાંથી ચાહકો આવવાના છે.
--