IND vs RSA Match Report: ચોથી T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે. આ રીતે સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતે 4 T20 મેચની શ્રેણી 3-1થી જીતી લીધી છે. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ હતો, પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ 18.2 ઓવરમાં 148 રન પર જ સિમિત રહી ગઈ હતી. આ પહેલા ભારતીય ટીમે 20 ઓવરમાં 1 વિકેટે 283 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ નિરાશ કર્યા
ભારતના 283 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રીઝા હેનરિક્સ કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો હતો. રીઝા હેનરિક્સને અર્શદીપ સિંહે આઉટ કર્યો હતો. આ સાથે જ રેયોન રિકલટન 1 રન બનાવીને હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન એડન માર્કરમ 8 બોલમાં 8 રન બનાવીને વોકઆઉટ થયો હતો. જ્યારે હેનરિક ક્લાસેન પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો.
ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સ વચ્ચે સારી ભાગીદારી, પરંતુ...
સાઉથ આફ્રિકાના 4 બેટ્સમેન 10 રનમાં પેવેલિયન ગયા હતા, પરંતુ આ પછી ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સ વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. બંને ખેલાડીઓએ પાંચમી વિકેટ માટે 54 બોલમાં 86 રન જોડ્યા હતા. ડેવિડ મિલર 27 બોલમાં 36 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે 29 બોલમાં 43 રનનું યોગદાન આપ્યું હતું. માર્કો જેન્સેન 12 બોલમાં 29 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો.
ભારતીય બોલરોએ કરી કમાલ
ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ સિવાય વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને 2-2 સફળતા મળી છે. હાર્દિક પંડ્યા, રમનદીપ સિંહ અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 1 વિકેટે 283 રન બનાવ્યા હતા. આ રીતે દક્ષિણ આફ્રિકાને 284 રનનો લક્ષ્યાંક મળ્યો છે. ભારત તરફથી સંજુ સેમસન અને તિલક વર્માએ સદી ફટકારી હતી. સંજુ સેમસન અને તિલક વર્માએ આ શ્રેણીમાં બીજી વખત સદીનો આંકડો પાર કર્યો છે. તિલક વર્મા 47 બોલમાં 120 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. જ્યારે સંજુ સેમસન 56 બોલમાં 109 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. આ વિકેટકીપર બેટ્સમેને પોતાની ઇનિંગમાં 6 ફોર અને 9 સિક્સર ફટકારી હતી.