ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે તિરુવનંતપુરમમાં ટી-20 સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ ટોસના સમયે ટીમ ઈન્ડિયાને એક એવા સમાચાર મળ્યા જે T20 વર્લ્ડ કપ પહેલા ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે. ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી એકવાર ઈજાગ્રસ્ત થયો છે, જેના કારણે તે આ મેચ રમી શક્યો નથી.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ સમયે માહિતી આપી હતી કે જસપ્રીત બુમરાહને કોઈ સમસ્યા છે, જેના કારણે તે આ મેચ રમી શકશે નહીં. આ પછી બીસીસીઆઈ દ્વારા જસપ્રીત બુમરાહને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ પણ આપવામાં આવ્યું હતું.
BCCI દ્વારા ટ્વિટ કરીને અપડેટ કરવામાં આવ્યું છે કે જસપ્રીત બુમરાહને પીઠમાં દુખાવો છે, જેના કારણે તે પ્રથમ T20 મેચ રમી શક્યો નથી. જસપ્રીત બુમરાહને મંગળવારે પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં દુખાવો થયો હતો જેના કારણે તેને પ્લેઈંગ-11માં પસંદ કરવામાં આવ્યો નથી.
બુમરાહ તાજેતરમાં ઈજામાંથી બહાર આવ્યો હતો
નોંધનીય છે કે જસપ્રીત બુમરાહ થોડા સમય પહેલા ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો હતો. ત્યાર બાદ તેણે ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરીઝમાં બે મેચ રમી હતી. પરંતુ આ બે મેચમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું ન હતું. દરમિયાન તે હવે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે.
જસપ્રીત બુમરાહની ઈજા ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે ટેન્શન વધારી શકે છે. ટીમ ઈન્ડિયા થોડા દિવસો બાદ ઓસ્ટ્રેલિયા જવા રવાના થવાની છે. પરંતુ તે પહેલા જસપ્રીત બુમરાહની આ રીતે વારંવાર થતી ઈજા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી શકે છે.