IND vs SA, 1st Test, Day 2:  સેન્ચુરિયનમાં બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાનો સ્કોર 256/5 છે. ભારતનો પ્રથમ દાવ 245 રન પર સમેટાઈ ગયો હતો. આ સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા પાસે 11 રનની લીડ છે. આફ્રિકન ટીમની હજુ 5 વિકેટ બાકી છે. ડીન એલ્ગર 140 રન સાથે રમી રહ્યો છે અને માર્કો જેન્સેન તેને ત્રણ રન સાથે સપોર્ટ કરી રહ્યો છે. હવે ભારતે ત્રીજા દિવસે બને તેટલી વહેલી તકે દક્ષિણ આફ્રિકાને કાબૂમાં રાખવું પડશે અને તેને પ્રથમ દાવમાં મોટી લીડ લેતા અટકાવવું પડશે. જો દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવમાં 50થી વધુ રનની લીડ લે છે તો ભારત માટે મેચમાં વાપસી કરવી મુશ્કેલ બની જશે. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 48 રનમાં 2, મોહમ્મદ સિરાજે 63 રનમાં 2 તથા પ્રસિદ્ધ કૃષ્ણાએ 61 રનમાં 1 વિકેટ લીધી હતી.


ડીન એલ્ગરની સદી


ડીન એલ્ગરે 141 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 23 ચોગ્ગા ફટકાર્યા છે. તેની શાનદાર ઈનિંગ્સના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ ઘણી મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે અને પ્રથમ દાવમાં સારી લીડ લઈ શકે છે.




ભારતીય ટીમનો પ્રથમ દાવ બીજા દિવસે 67.4 ઓવરમાં 245 રનમાં સમેટાઈ ગયો હતો. આજે ભારતે આઠ વિકેટે 208 રનથી રમવાનું શરૂ કર્યું હતું અને ટીમ 37 રન ઉમેરી શકી હતી. આજે પહેલો ફટકો મોહમ્મદ સિરાજ (22 બોલમાં 5 રન)ના રૂપમાં લાગ્યો હતો, જેને ગેરાલ્ડ કોએત્ઝીએ પેવેલિયન મોકલ્યો હતો. આ સાથે જ નાન્દ્રે બર્જરે રાહુલને ક્લીન બોલ્ડ કરીને ભારતની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. આજે જ્યારે ટીમ ઈન્ડિયા મેદાન પર આવી ત્યારે રાહુલ 70 રન બનાવીને રમી રહ્યો હતો. આ પછી, તેણે કોએત્ઝીની બોલ પર છગ્ગો ફટકારીને તેની ટેસ્ટ કારકિર્દીની આઠમી સદી પૂરી કરી. તે 137 બોલમાં 14 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 101 રન બનાવીને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. નાન્દ્રે બર્જરને ત્રણ, માર્કો જેન્સેન અને ગેરાલ્ડ કોએત્ઝીને એક-એક વિકેટ મળી હતી.


ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ


સાઉથ આફ્રિકાની ટીમઃ ડીન એલ્ગર, એઇડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટેમ્બા બાવુમા (સી), કીગન પીટરસન, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેન (વિકેટકિપર), માર્કો જેન્સેન, ગેરાલ્ડ કોએત્ઝી, કાગીસો રબાડા, નાન્દ્રે બર્ગર