IND vs SA 2nd Test: કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના. ભારતે એક જ સ્કોર પર તેમની તમામ છ વિકેટ ગુમાવીને ટેસ્ટ ક્રિકેટમાં શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જ્યારે ભારતે 6 વિકેટ બાકી હતી ત્યારે દક્ષિણ આફ્રિકા પર 98 રનની લીડ હતી અને આ સમયે ભારત સંપર્ણપણે હાવી જણાતું હતું. કારણ કે તેમની પાસે મોટી લીડ લેવાની અને શ્રેણીની શરૂઆતની મેચમાં ઇનિંગ્સના પરાજય પછી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની તક હતી. જો કે, ટીમ ઈન્ડિયાએ એક પણ રન બનાવ્યા વિના છેલ્લી છ વિકેટ ગુમાવી દીધી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ અત્યાર સુધી ઐતિહાસિક રહી છે. મેચના પહેલા જ દિવસે બંને ટીમો ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચના બીજા અને પ્રથમ દાવમાં ભારતીય ટીમે છેલ્લી 6 વિકેટ 11 બોલમાં એકપણ રન બનાવ્યા વિના ગુમાવી દીધી હતી. ભારતની ઇનિંગ દરમિયાન કુલ 7 બેટ્સમેનો ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. ભારતીય ટીમ તેના પ્રથમ દાવમાં 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતીય ટીમે 153 રનના સ્કોર પર માત્ર 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારપછીના 11 બોલમાં કુલ 6 ભારતીય બેટ્સમેન આઉટ થઈ ગયા હતા અને આ સમયગાળા દરમિયાન કોઈપણ રીતે કોઈ રન બનાવ્યા ન હતા. ટીમ ઈન્ડિયાએ 33 ઓવરમાં 4 વિકેટે 153 રન બનાવ્યા હતા અને આ દરમિયાન વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રીઝ પર હાજર હતા. ઈનિંગની 34મી ઓવર ફેંકનાર આફ્રિકન ફાસ્ટ બોલર લુંગી એનગિડીએ ઓવરના પહેલા બોલ પર કેએલ રાહુલને કેચ આઉટ કરાવ્યો હતો.
ત્યારબાદ એન્ગીડીની ઓવરનો બીજો બોલ એક ડોટ બોલ હતો, જેનો સામનો રવિન્દ્ર જાડેજાએ કર્યો હતો. ત્યાર બાદ ત્રીજા જ બોલ પર એન્ડિગીએ જાડેજાને પણ કેચ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. આ પછી એન્ગિડીએ ઓવરનો ચોથો બોલ ક્રિઝ પર આવેલા જસપ્રિત બુમરાહને ફેંક્યો, જે ડોટ બનીને રહી ગયો. ત્યારપછી પાંચમા બોલ પર તેણે બુમરાહને પેવેલિયન મોકલ્યો અને પછી એન્ગિડીએ ઓવરનો છેલ્લો બોલ સિરાજને ફેંક્યો જે એક ડોટ હતો. આ રીતે એન્ગિડીએ પોતાની મેડન ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. 34 ઓવર પછી ભારતનો સ્કોર 153/7 હતો, જે અગાઉની ઓવરમાં 153/4 હતો.
આ પછી, કાગિસો રબાડાએ બાકીનું અંતર આગામી એટલે કે ઇનિંગની 35મી ઓવરમાં પૂર્ણ કર્યું. રબાડાએ ઓવરના પહેલા બોલ પર વિરાટ કોહલીને ડોટ બોલ્ડ કર્યો હતો અને બીજા બોલ પર કેચ આઉટ કરાવીને તેને પેવેલિયન મોકલી દીધો હતો. પોતાની અડધી સદી તરફ આગળ વધી રહેલો કોહલી 46 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, રબાડાએ ત્રીજા બોલ પર પ્રસિદ્ધ કૃષ્ણાને ડોટ ફેંક્યો અને ચોથા બોલ પર નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રહેલો મોહમ્મદ સિરાજ રનઆઉટ થયો. ત્યાર બાદ આગામી એટલે કે ઓવરના પાંચમા બોલ પર રબાડાએ પ્રસિદ્ધ કૃષ્ણાને આઉટ કરીને ઇનિંગની સમાપ્તિ કરી.
સાત બેટ્સમેન ખાતું ખોલાવી શક્યા ન હતા
ભારત તરફથી યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. જ્યારે, મુકેશ કુમાર ખાતું ખોલાવ્યા વિના 11મા બેટ્સમેન તરીકે અણનમ રહ્યો.