South Africa vs India 1st T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે ડરબનના કિંગ્સમીડ ખાતે રમાવવાની હતી. જો કે વરસાદના કારણે આ મેચ શરૂ થઈ શકી ન હતી. સતત વરસાદને કારણે આ મેચનો ટોસ પણ થઈ શક્યો નહી.  આવી સ્થિતિમાં હવામાન અને મેદાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમ્પાયરે મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.




ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગે રમાવાની હતી. મેચ 7.30 વાગ્યે શરૂ થવાની હતી. જોકે લાંબા સમયથી વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે ટોસ સમયસર થઈ શક્યો ન હતો. આ પછી, વરસાદ રોકવા માટે લાંબી રાહ જોવી પડી, પરંતુ વરસાદ બંધ ન થયો અને તેના કારણે અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો.


દર્શકો નિરાશ થઈને પાછા ફર્યા


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચ ટોસ વિના રદ કરવામાં આવી હતી. આ મેચ જોવા માટે હજારો ચાહકો સ્ટેડિયમમાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. જોકે હવે ચાહકોને નિરાશ થઈને ઘરે પરત ફરવું પડ્યું હતું. જો કે મેચ સાથે જોડાયેલા અધિકારીઓએ લાંબા સમય સુધી વરસાદ બંધ થવાની રાહ જોઈ હતી, પરંતુ લગભગ અઢી કલાકની રાહ જોયા બાદ મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ટી-20 સિરીઝ રમશે


તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની T20 શ્રેણી, ત્રણ મેચની વનડે શ્રેણી અને બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. સૂર્યકુમાર યાદવ ટી20માં કેપ્ટન છે. જ્યારે કેએલ રાહુલ વનડે સીરીઝમાં અને રોહિત શર્મા ટેસ્ટ સીરીઝમાં કેપ્ટન રહેશે. હવે બીજી T20 12 ડિસેમ્બરે અને ત્રીજી T20 14 ડિસેમ્બરે રમાશે.  


ટી 20 સીરીઝમાં ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવ સંભાળી રહ્યા છે. તેમણે હાલમાં જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલૂ 5 મેચની ટી 20 સીરીઝમાં પણ કપ્તાની સંભાળી હતી. આ સીરીઝમાં ભારતીય ટીમે 4-1થી દમદાર જીત મેળવી હતી. આ ટી20 સીરીઝમાં ભારતીય બેટ્સમેનો અને બોલરોએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યુ હતું.